અમદાવાદમાં રાત્રે વરસ્યો તોફાની વરસાદ, ભારે પવન અને ગાજવીજ સાથે વરસતા, અનેક ફ્લાઇટ કરાઇ ડાયવર્ટ

raining

અમદાવાદ, શહેરમાં સોમવારે સાંજના સમયે અચાનક વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો હતો. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં જોરદાર પવન સાથે આંધી ફૂંકાઈ હતી, જ્યારે અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં વરસ્યા હતા. વાતાવરણમાં આવેલા આ બદલાવના કારણે માર્ગવ્યવહાર તેમજ હવાઈ સેવાઓ પર પણ અસર જોવા મળી હતી. શહેરના એસ.જી. હાઈવે, ગોતા, સાયન્સ સિટી, શ્રેયસ ક્રોસિંગ, પ્રહલાદનગર, ઇસ્કોન, આંબલી, જમાલપુર અને વસ્ત્રાપુર સહિતના વિસ્તારોમાં આંધી સાથે વરસાદ નોંધાયો હતો. શ્રેયસ ક્રોસિંગ અને આસપાસના વિસ્તારોમાં વરસાદી છાંટાં પડતાં લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.

અમદાવાદમાં ખરાબ હવામાન અને તેજ પવનના કારણે એર ટ્રાફિક પર પણ અસર પડી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર લગભગ 10 જેટલી ફ્લાઇટ્સના સંચાલન પર અસર પહોંચી હતી, જ્યારે 7 ડોમેસ્ટિક ફ્લાઇટ્સને સુરત તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. મુંબઈથી અમદાવાદ આવતી AI2919 ફ્લાઇટને સુરત ડાયવર્ટ કરવામાં આવી હતી. ઉપરાંત હૈદરાબાદથી અમદાવાદ આવતી 6E216 ફ્લાઇટને પણ સુરત મોકલવામાં આવી હતી. ઇન્દોરથી આવતી ફ્લાઇટના સંચાલન પર પણ અસર નોંધાઈ હતી. જ્યારે મુંબઈથી આવતી એક અન્ય ફ્લાઇટને રાજકોટ તરફ ડાયવર્ટ કરાઈ હોવાનું જાણવા મળ્યું છે.

આંધી અને ભારે પવનના કારણે શહેરના ઘી કાંટા વિસ્તારમાં એક વિશાળકાય વૃક્ષ ધરાશાયી થયું હતું. વૃક્ષ એક પાર્ક કરેલી કાર પર પડતાં કારને ભારે નુકસાન પહોંચ્યું હતું. જોકે સદનસીબે તે સમયે કારમાં કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે.

તંત્ર એલર્ટ, નાગરિકોને સાવચેત રહેવાની અપીલ

હવામાનમાં આવેલા અચાનક બદલાવને પગલે તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. ભારે પવન અને વરસાદને ધ્યાનમાં રાખીને નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા તેમજ વૃક્ષો અને હોર્ડિંગ્સથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: http://ગુજરાત સરકારનો મોટો નિર્ણય: GAS કેડરના 68 અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ છૂટ્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *