‘કોકરોચ જનતા પાર્ટીનું X એકાઉન્ટ બેન’, CJI સૂર્યકાંતના નિવેદનથી મચ્યો હતો હોબાળો

મુખ્ય ન્યાયાધીશ (CJI) જસ્ટિસ સૂર્યકાંતના એક નિવેદનથી શરૂ થયેલા વિવાદ બાદ બનેલી ‘કોકરોચ જનતા પાર્ટી’નું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X એકાઉન્ટ બેન કરી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગયા અઠવાડિયે સુપ્રિમ કોર્ટમાં એક કેસની સુનાવણી દરમિયાન CJI સૂર્યકાંતે દેશના બેરોજગાર યુવાનોની સરખામણી કથિત રીતે ‘કોકરોચ’ સાથે કરી હતી. આ નિવેદન પર ભારે હોબાળો થયા બાદ તેમણે સ્પષ્ટતા પણ કરી હતી. જોકે, યુવાનોએ આ ટિપ્પણીનો ઉગ્ર વિરોધ કર્યો હતો અને તેના વિરોધ પ્રદર્શનના ભાગરૂપે જ ‘કોકરોચ જનતા પાર્ટી’ની શરૂઆત કરવામાં આવી હતી. મજાક-મજાકમાં શરૂ થયેલી આ પાર્ટીના સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ થઈ ગયા હતા.
પરંતુ હવે આ કાલ્પનિક રાજકીય પાર્ટીનું X એકાઉન્ટ ભારતમાં બ્લોક કરી દેવાયું છે. જોકે, મળતી માહિતી મુજબ આ પાર્ટીનું ઈન્સ્ટાગ્રામ પેજ હજુ પણ ચાલુ છે. આ પ્રતિબંધ પહેલા ગુરુવારે જ કોકરોચ જનતા પાર્ટીના પેજે ફોલોઅર્સની બાબતમાં ભાજપ (BJP)ને પણ પાછળ છોડી દીધું હતું. ઈન્સ્ટાગ્રામ પર આ પેજના ૧ કરોડથી વધુ ફોલોઅર્સ થઈ ગયા છે, જ્યારે ભાજપના ૮૭ લાખ ફોલોઅર્સ છે.
X એકાઉન્ટ બંધ થતાં જ તેના ફાઉન્ડર અભિજીત દિપક લાલઘૂમ થયા છે. તેમણે આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, જે વાતનો ડર હતો એ જ થયું. તેમના પેજ ઉપર પ્રતિબંધ મુકી દેવાયો છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કરીને જણાવ્યું કે, “જેનો ડર હતો એ જ થયું. પહેલા તેમણે અમારું એકાઉન્ટ હેક કરવાનો પ્રયાસ કર્યો અને જ્યારે તેમાં સફળતા ન મળી તો તેને બેન કરી દીધું. અમારું ઓફિશિયલ X એકાઉન્ટ આ સમયે ભારતમાં દેખાઈ રહ્યું નથી.
તેમણે દેશના યુવાનોને આ અન્યાય સામે અવાજ ઉઠાવવા અપીલ કરી છે. તેમણે ઉમેર્યું, “હું ઈચ્છું છું કે તમે લોકો સવાલ ઉઠાવો કે આખરે આ એકાઉન્ટ કેમ બેન કરવામાં આવ્યું? તેના પર એવું તે શું લખ્યું હતું? અમે માત્ર સરકાર પાસે જવાબદેહી માંગી રહ્યા હતા. અમે કોઈ ખોટી વસ્તુ લખી નહોતી. બદલામાં તેમણે અમારું એકાઉન્ટ જ ડિએક્ટિવેટ કરી દીધું. આ તે કેવા પ્રકારની લોકશાહી છે? હું ઈચ્છું છું કે તમે બધા આ સવાલ પૂછો.”
CJI સૂર્યકાંતે શું કહ્યું હતું?
આ સમગ્ર વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે સીજેઆઈએ બેરોજગાર યુવાનો પર એક વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. એક અરજીની સુનાવણી દરમિયાન તેમણે કહ્યું હતું કે, “કેટલાક યુવાનો કોકરોચ જેવા હોય છે, જેમને ન તો કોઈ રોજગાર મળે છે અને ન તો કોઈ વ્યવસાયમાં તેમનું સ્થાન હોય છે. તેમાંથી કેટલાક મીડિયાના ક્ષેત્રમાં જાય છે, કેટલાક સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ બને છે, તો કેટલાક RTI એક્ટિવિસ્ટ બની જાય છે અને પછી તેઓ દરેક પર હુમલો કરવાનું શરૂ કરી દે છે.” આ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકોમાં ભારે નારાજગી ફેલાઈ હતી. જોકે, વિવાદ વધતાં આગલા જ દિવસે CJIએ સ્પષ્ટતા જાહેર કરી હતી કે તેઓ માત્ર નકલી ડિગ્રીધારકો વિશે વાત કરી રહ્યા હતા અને તેમનો ઈરાદો દેશના યુવાનોની લાગણી દુભાવવાનો નહોતો.