શેરમાર્કેટ ક્રેશ! પ્રધાનમંત્રી મોદીની અપીલના સતત બીજા દિવસે બજારમાં ડરનો માહોલ

મિડલ ઇસ્ટમાં વધતા તણાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોનું ન ખરીદવા અને પેટ્રોલ-ડીઝલનો મર્યાદિત ઉપયોગ કરવાની અપીલ કર્યા બાદ સતત બીજા દિવસે શેરબજારમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. પીએમ મોદીએ 24 કલાકમાં પોતાની આ અપીલનું પુનરાવર્તન પણ કર્યું હતું.
સેન્સેક્સ-નિફ્ટીમાં ગાબડું
કારોબારની શરૂઆતમાં બીએસઈ (BSE) સેન્સેક્સ તેના અગાઉના બંધ 76,015ના સ્તરથી મોટા ઘટાડા સાથે 75,688ના સ્તર પર ખુલ્યો હતો અને થોડી જ વારમાં ઘટાડો વધુ તીવ્ર બન્યો હતો. માત્ર 5 મિનિટના ટ્રેડિંગ દરમિયાન જ BSE સેન્સેક્સ 723 પોઈન્ટથી વધુ તૂટીને 75,291ના સ્તર પર આવી ગયો હતો.
IT કંપનીઓના શેર ક્રેશ
શેરબજારમાં તીવ્ર ઘટાડા વચ્ચે સૌથી વધુ નુકસાન આઈટી કંપનીઓને થતું જણાયું હતું. BSE લાર્જકેપ પર નજર કરીએ તો, તેમાં સામેલ TCSનો શેર (3.61%), Infosys (3.30%), Tech Mahindra (2.80%), HCL Tech (2.30%) ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા. આ સિવાય અન્ય ઘટતા શેરોમાં મિડકેપમાં સામેલ UPL (4.10%), Hindustan Petroleum (3.60%), અને Coforge (3%) ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા.
આ ડરનું પીએમ મોદીની અપીલ સાથે કનેક્શન!
શેરબજારમાં સતત મોટા ઘટાડા પાછળના કારણોની વાત કરીએ તો, વડાપ્રધાન મોદીએ રવિવારે કરેલી અપીલનો સૌથી વધુ ડર હોવાનું માનવામાં આવે છે, જેમાં તેમણે દેશના લોકોને એક વર્ષ સુધી સોનું ન ખરીદવા માટે કહ્યું હતું. આ સાથે મિડલ ઇસ્ટમાં યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટમાં તણાવનો ઉલ્લેખ કરતા પેટ્રોલ-ડીઝલની બચત કરવા આગ્રહ કર્યો હતો.
પીએમ નરેન્દ્ર મોદીએ એક જનસભાને સંબોધતા કહ્યું હતું કે, “આપણા પડોશમાં યુદ્ધ ચાલી રહ્યું છે, જેની અસર ભારત સહિત સમગ્ર વિશ્વ પર પડી રહી છે.” તેમણે લોકોને અપીલ કરી હતી કે તેઓ એક વર્ષ સુધી સોનું ન ખરીદે અને ઈંધણની બચત પર ધ્યાન આપે.
શેરબજાર ક્રેશ થવાનું આ એકમાત્ર કારણ નથી, પરંતુ અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી ખેંચતાણને કારણે હોર્મુઝ સ્ટ્રેટ પર તણાવ યથાવત છે. તેની અસર આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતો પર પણ દેખાઈ રહી છે. બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ 105 ડોલરને પાર કરી ગઈ છે અને મોંઘવારીના જોખમે શેરબજાર પર દબાણ બનાવ્યું છે.