પશ્ચિમ બંગાળમા મમતા બેનર્જીનું બંગાળી કાર્ડ નિષ્ફળ! આ 5 યોદ્ધા ભાજપના સાઇલન્ટ હીરો બનીને ઉભર્યા

પશ્ચિમ બંગાળમાં ખેલા હોબેના નારા વચ્ચે આ વખતે મમતા બેનર્જીનું બંગાળી કાર્ડ નિષ્ફળ સાબિત થયું હોય તેમ જણાય છે. ચૂંટણી પંચના વલણો મુજબ, ભાજપ 144 બેઠકો પર લીડ કરી રહ્યું છે, જ્યારે TMC માત્ર 76 બેઠકો પર સમેટાઈ રહ્યું છે. સ્થિતિ એવી છે કે, મમતા બેનર્જી પોતાના ગઢ ગણાતા ભવાનીપુરથી પણ હારી શકે છે. બંગાળના સ્થાનિક નેતાઓ શુભેન્દુ અધિકારી અને દિલીપ ઘોષની મહેનત તો છે જ, પરંતુ આ જીતમાં બીજા રાજ્યોથી આવેલા 5 એવા દિગ્ગજ નેતાઓ છે, જેઓ ભાજપના સાઇલન્ટ હીરો બનીને ઉભર્યા છે.
1. ભૂપેન્દ્ર યાદવ: ચૂંટણી મેનેજમેન્ટના એક્સપર્ટ
કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવને ભાજપના ચૂંટણી મામલાના નિષ્ણાત માનવામાં આવે છે. અમિત શાહના નજીકના મનાતા યાદવ ઘણા સમયથી બંગાળમાં કેમ્પ કરી રહ્યા હતા. અગાઉ હરિયાણા અને મહારાષ્ટ્રમાં પણ તેમની વ્યૂહરચનાના વખાણ થયા હતા. બંગાળમાં તેમણે જમીની સ્તરે જે રીતે મોરચો સંભાળ્યો તેનું પરિણામ આજે જોવા મળી રહ્યું છે.
2. મંગલ પાંડે: રાજ્ય પ્રભારીની સફળ ભૂમિકા
રાજ્યના પ્રભારી તરીકે મંગલ પાંડેનું નામ આ યાદીમાં પ્રથમ છે. તેમણે ચૂંટણી દરમિયાન અને તે પહેલા સંગઠનને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમની દેખરેખ હેઠળ જ બંગાળમાં ભાજપના પ્રચાર અભિયાનને નવી દિશા મળી હતી.
3. સુનીલ બંસલ: સંગઠનના મજબૂત સ્તંભ
સંગઠન મહામંત્રી તરીકે સુનીલ બંસલની તૈનાતી બંગાળમાં ખૂબ જ મહત્વની રહી. છેલ્લા ઘણા મહિનાઓથી તેઓ પોતાનો મોટાભાગનો સમય બંગાળમાં પસાર કરી રહ્યા હતા. બૂથ લેવલ પર કાર્યકરોને સક્રિય કરવાનું અને રણનીતિ ઘડવાનું કામ બંસલે કુશળતાપૂર્વક કર્યું છે.
4. બિપ્લબ કુમાર દેબ: સક્રિય સહ-પ્રભારી
સહ-પ્રભારી તરીકે બિપ્લબ કુમાર દેબનું યોગદાન પણ આ ચૂંટણીમાં મહત્વનું રહ્યું છે. તેઓ ઘણા સમયથી બંગાળમાં સક્રિય હતા અને જમીની સ્થિતિનું સીધું રિપોર્ટિંગ અમિત શાહને કરતા હતા.
5. અમિત શાહનું સીધું માર્ગદર્શન
આ તમામ નેતાઓની કમાન સીધી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હાથમાં હતી. મતદાન બાદ પણ કોલકાતામાં મળેલી ભાજપની બેઠકમાં તેમણે પરિસ્થિતિનું બારીકાઈથી અવલોકન કર્યું હતું. આ જીત બાદ અમિત શાહનું કદ ફરી એકવાર વધ્યું છે અને તેમની કોર ટીમમાં સામેલ ભૂપેન્દ્ર યાદવ અને સુનીલ બંસલ જેવા નેતાઓ વધુ મજબૂત બનશે.
ભાજપના પાંચ યોદ્ધાઓએ રંગ રાખ્યો
બંગાળની જમીન પર તૃણમૂલ કોંગ્રેસના મૂળિયાં હચમચાવી દેવામાં ભાજપના આ પાંચ યોદ્ધાઓએ જે રીતે સાઇલન્ટલી કામ કર્યું છે, તે રાજકીય ઇતિહાસમાં એક મોટું પરિવર્તન માનવામાં આવી રહ્યું છે. 2021માં મમતા બેનર્જી નંદીગ્રામથી હાર્યા હતા, પરંતુ આ વખતે આખા બંગાળમાં TMCના વળતા પાણી જોવા મળી રહ્યા છે.