રાજ્યમાં ક્યાં-ક્યાં ખોટવાયા EVM, બહુચરાજીમાં બે વખત બદલ્યા છતાં ઉકેલ નહીં

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે મતદાન યોજાઈ રહ્યું છે. રાજ્યની 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતોની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. આ સાથે જ 11 નગરપાલિકાઓની ખાલી પડેલી 13 બેઠકો માટે પણ પેટા ચૂંટણી થશે.
બહુચરાજીમાં EVM ખોટકાતા મતદાન બંધ થયું હતું. બે કલાકથી ટેકનિકલ કારણોસર EVM ખોટકાયું હતું. બે વખત EVM બદલ્યા છતાં ઉકેલ આવ્યો નહીં. મતદાન મથક બહાર મતદારો કલાકોથી લાઈનમાં ઉભા હતા.
આણંદના કરમસદમાં EVM ખોટકાયું હતું. અંદાજે 7 મિનિટ સુધી EVM બંધ રહ્યું હતું. આણંદ મનપા બન્યા બાદ પહેલીવાર ચૂંટણી યોજાઈ રહી છે. એકસાથે 5 EVMમાં ખામી જોવા મળી હતી. તાત્કાલિક અન્ય EVM મંગાવી મતદાન શરૂ કરાયું છે.
પાટણના વોર્ડ નંબર 2માં EVM ખોટકાયું
પાટણના વોર્ડ નંબર 2માં EVM ખોટકાયું છે. નગરપાલિકાની ચૂંટણીમાં EVM ખોટવાયુ છે. EVM ખોરવાતા મતદાન અટક્યું હતું. નૂતન હાઈસ્કૂલમાં EVM બંધ થતાં 20 મિનિટ મતદાન અટક્યું હતું .
સુરતના કામરેજના નવાગામ વિસ્તારમાં ઇવીએમ ખોટકાયું હતું. બુથ નંબર ત્રણમાં ઇવીએમ સાત મિનિટ સુધી બંધ રહ્યા હતા. બાદમાં ફરીથી મતદાન શરૂ કરવામાં આવ્યું હતું.
ગીર સોમનાથ અને અમરેલીમાં પણ ઈવીએમ ઠપ્પ
ગીર સોમનાથના વેરાવળ તાલુકાના વાવડી આદ્રી ગામે 41 નંબરના બુથના EVM બંધ થયું હતું. 30 મિનિટ સુધી ઈવીએમ બંધ રહેતા મતદારો પરેશાન થયા હતા. સાવરકુંડલા નગરપાલિકાના વોર્ડ નંબર 3માં બુથ નંબર-2નું EVM ખોટકાયું હતું. ઈવીએમ બંધ થતા અધિકારીઓ દોડતા થયા હતા.
મહેસાણામાં વોર્ડ નંબર 6માં સાર્વજનિક સ્કૂલના મતદાન કેન્દ્ર ઉપર ઇવીએમ ખોટકાયું હતું. ઇવીએમ ખોટવાતા મતદારો અકળાયા હતા. વડોદરામાં વોર્ડ નંબર 18ના માંજલપુરની અંબે સ્કૂલ ખાતે 30 નંબરના રૂમનું ઇવીએમ મશીન ખોટકાયું હતું.