2029 થી સંસદ અને વિધાનસભાઓમાં મહિલાઓને મળશે 33% અનામત, કેબિનેટે આપી 3 બિલોને લીલી ઝંડી

મહિલા સશક્તિકરણની દિશામાં કેન્દ્ર સરકારે એક બહુ મોટું અને ઐતિહાસિક પગલું ભર્યું છે. વર્ષ 2029 થી લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામત લાગુ કરવાના રસ્તાઓ હવે સાફ થઈ રહ્યા છે. તાજેતરમાં જ કેન્દ્રીય કેબિનેટે આ અનામતને લગતા કુલ 3 બિલોને પોતાની સત્તાવાર મંજૂરી આપી દીધી છે. 2023 માં પસાર થયેલા આ કાયદાને જમીન પર કેવી રીતે ઉતારવો અને તેમાં કયા સુધારા કરવા, તે અંગે વિસ્તૃત ચર્ચા કરવા માટે સરકાર સંસદનું બજેટ સત્ર 3 દિવસ માટે લંબાવી રહી છે.
પીએમ મોદીએ શું કહ્યું?
રવિવારે (5 એપ્રિલ, 2026 ના રોજ) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માહિતી આપી હતી કે મહિલા અનામત કાયદાને લાગુ કરવા માટે સંસદનું બજેટ સત્ર હવે 16, 17 અને 18 એપ્રિલે ફરીથી બોલાવવામાં આવશે. આ 3 દિવસના ખાસ સત્રમાં સંસદના બંને ગૃહોમાં મહિલાઓના અધિકારો અને દેશની પ્રગતિમાં અડધી વસ્તીના યોગદાન પર સ્વસ્થ અને ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવશે.
આ ચર્ચા અને નવા સુધારા બિલો લાવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય દેશની સંસદ અને વિધાનસભાઓમાં મહિલાઓની ભાગીદારી પાક્કી કરવાનો છે. સરકાર ઈચ્છે છે કે 2029 ની ચૂંટણીઓથી આ નિયમ અમલમાં આવી જાય. અગાઉ કાયદો તો પસાર થઈ ગયો છે, પરંતુ તેના પ્રેક્ટિકલ અમલીકરણમાં જે પણ કાનૂની કે વહીવટી મુશ્કેલીઓ આવી રહી છે, તેને આ 3 સુધારા બિલો થકી દૂર કરવામાં આવશે. આનાથી રાજકીય ક્ષેત્રે મહિલા સશક્તિકરણ વધુ મજબૂત બનશે.
સરકારે 80% પક્ષો સાથે કરી ચર્ચા
આ મુદ્દે સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ પણ રાજ્યસભામાં સ્પષ્ટતા કરી હતી. તેમણે જાહેરાત કરી હતી કે અત્યારે સંસદ સ્થગિત કરવામાં આવશે અને આ મહત્વપૂર્ણ કાયદા માટે 2 થી 3 અઠવાડિયા પછી ગૃહની બેઠક ફરીથી બોલાવવામાં આવશે. જ્યારે કોંગ્રેસના નેતા જયરામ રમેશે ગૃહના કામકાજ અંગે સવાલ પૂછ્યો, ત્યારે રિજિજુએ જવાબ આપ્યો હતો કે સરકારે આ કાયદા અંગે 80 ટકાથી વધુ રાજકીય પક્ષો સાથે અગાઉથી જ સલાહ-સૂચન અને ચર્ચા-વિચારણા કરી લીધી છે, જેથી બિલ પસાર કરવામાં કોઈ મોટી અડચણ ન આવે.
https://www.instagram.com/timenewsguj
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: એરપોર્ટ પર કેઝ્યૂઅલ લૂકમાં સ્પૉટ થઇ સોનમ બાજવા, મેકઅપ વિના લાગી બ્યૂટીફૂલ ગર્લ