ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઓવૈસીની એન્ટ્રી: AIMIM ના 539 ઉમેદવારો મેદાનમાં

ગુજરાતમાં હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે, ત્યારે હવે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM (ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન) પણ આ રાજકીય જંગમાં પૂરી તાકાતથી ઉતરી રહી છે. AIMIM ના રાષ્ટ્રીય પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ ગુજરાતમાં 539 ઉમેદવારોને મેદાનમાં ઉતારવાની મોટી જાહેરાત કરી છે. આ સાથે જ તેમણે ગુજરાતમાં લાગુ કરાયેલા યુનિફોર્મ સિવિલ કોડ (UCC) અને અશાંતધારાના કાયદાને લઈને રાજ્યની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
અસદુદ્દીન ઓવૈસીએ સ્પષ્ટ કર્યું છે કે તેમની પાર્ટી માત્ર મહાનગરપાલિકાઓ (મનપા) પૂરતી સીમિત નહીં રહે, પરંતુ ગ્રામ્ય સ્તરે પણ પોતાનો પ્રભાવ પાથરવાનો પ્રયાસ કરશે. તેમની જાહેરાત મુજબ, AIMIM ના ઉમેદવારો મનપા ઉપરાંત રાજ્યની 29 તાલુકા પંચાયતો અને 40 જિલ્લા પંચાયતોની બેઠકો પર પણ ચૂંટણી લડશે.
ઓવૈસીએ ગુજરાત સરકાર દ્વારા લાવવામાં આવેલા UCC કાયદાને મુસ્લિમ વિરોધી ગણાવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે રંજના દેસાઈ કમિટીએ જે રિપોર્ટ આપ્યો છે, તેને સરકારે હજુ સુધી સાર્વજનિક કર્યો નથી કે કોઈ ધારાસભ્યને બતાવ્યો પણ નથી. તેમણે કહ્યું કે લિવ-ઇન રિલેશનશિપ અને લગ્નપ્રથા જેવા હિન્દુ રીતિ-રિવાજો મુસ્લિમ સમુદાય પર જબરદસ્તી થોપવામાં આવી રહ્યા છે. મુસ્લિમ ધર્મમાં લિવ-ઇન રિલેશનશિપનો કોઈ વિકલ્પ જ નથી અને ઇસ્લામ મુજબ કોઈ પણ પરણિત મુસ્લિમ મહિલા અન્ય પુરુષ સાથે રહી ન શકે. હિન્દુ ધર્મ અને મુસ્લિમ સમુદાય બંનેમાં લગ્નની વિધિઓ સાવ અલગ પદ્ધતિથી થાય છે. આ બધું જોતાં, આ કાયદા દ્વારા મુસ્લિમો પર નિયમો થોપવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જેની સામે AIMIM કોર્ટના દરવાજા ખખડાવશે.
https://www.instagram.com/timenewsguj
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: ગુજરાતભરમાં ફૂડ વિભાગના દરોડા, 347 હોટલ-રેસ્ટોરન્ટ ચકાસાયા, નકલી પનીર મામલે કડક કાર્યવાહી