PM મોદીએ સાઉદી ક્રાઉન પ્રિન્સ સાથે કરી વાતચીત, સમુદ્રી માર્ગોની સુરક્ષા માટે ભારત અને સાઉદી એક થયા

Oplus_131072

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વૈશ્વિક સપ્લાય ચેઈન અને તેલના પુરવઠા પર માઠી અસર પડી રહી છે. આ ગંભીર પરિસ્થિતિમાં પીએમ મોદીએ સાઉદી અરેબિયાના નેતૃત્વ સાથે પ્રાદેશિક સ્થિતિની સમીક્ષા કરી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટ દ્વારા વડાપ્રધાને જણાવ્યું કે, ઉર્જા મથકો પર થઈ રહેલા હુમલા ચિંતાનો વિષય છે અને તે વૈશ્વિક અર્થતંત્રને નુકસાન પહોંચાડી શકે છે. બંને નેતાઓ આ વાત પર સહમત થયા હતા કે આંતરરાષ્ટ્રીય સમુદ્રી વ્યાપાર માટે નેવિગેશનની સ્વતંત્રતા જળવાઈ રહેવી અત્યંત આવશ્યક છે. આ ઉપરાંત પીએમ મોદીએ સાઉદી અરેબિયામાં વસતા લાખો ભારતીયોના હિતો અને તેમના કલ્યાણ માટે સતત સહયોગ આપવા બદલ ક્રાઉન પ્રિન્સનો આભાર માન્યો હતો.

નોંધનીય છે કે આ અગાઉ મંગળવારે પીએમ મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પણ ફોન પર લાંબી વાતચીત કરી હતી. 28 ફેબ્રુઆરીએ ઈરાન પર હુમલા શરૂ થયા બાદ બંને નેતાઓ વચ્ચેની આ પ્રથમ વાતચીત હતી. આ ચર્ચામાં મુખ્યત્વે ‘હોર્મુઝ સામુદ્રધુની’ (Strait of Hormuz) ને ખુલ્લી રાખવાના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો. અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના જંગને કારણે આ વ્યૂહાત્મક માર્ગ પર જહાજોની અવરજવર લગભગ ઠપ્પ થઈ ગઈ છે, જેના કારણે ભારત જેવા તેલ આયાત કરતા દેશો માટે મુશ્કેલી ઉભી થઈ છે.

જોકે, આ તણાવ વચ્ચે ઈરાન તરફથી ભારત માટે રાહતના સમાચાર આવ્યા છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીના જણાવ્યા મુજબ, હોર્મુઝ સામુદ્રધુની સંપૂર્ણપણે બંધ નથી. ઈરાને ભારત સહિત પાંચ મિત્ર દેશો ચીન, રશિયા, ઈરાક અને પાકિસ્તાનના જહાજોને આ માર્ગ પરથી પસાર થવા માટે “સુરક્ષિત રસ્તો” આપવાની જાહેરાત કરી છે. ઈરાને શરત મૂકી છે કે “બિન-શત્રુતાપૂર્ણ જહાજો” જો ઈરાની સત્તાવાળાઓ સાથે યોગ્ય સમન્વય સાધશે, તો તેમને પસાર થવા દેવામાં આવશે. આ નિર્ણયથી ભારતને તેલના પુરવઠામાં મોટી રાહત મળી શકે તેમ છે.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: રાજકોટમાં આઘાતજનક કિસ્સો: બે યુવાનો બે સગીર પર કરતા હતા દુષ્કર્મ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *