સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી: દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલમાં કરાયા દાખલ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ સોનિયા ગાંધીની તબિયત અચાનક બગડતા રાજકીય વર્તુળોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. 79 વર્ષીય સોનિયા ગાંધીને તાત્કાલિક સારવાર માટે દિલ્હીની પ્રખ્યાત સર ગંગા રામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. માતાની તબિયત લથડવાના સમાચાર મળતા જ લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી અને સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ તાબડતોબ હોસ્પિટલ પહોંચવા માટે રવાના થઈ ગયા હતા. હાલમાં નિષ્ણાત ડોક્ટરોની એક ટીમ સોનિયા ગાંધીના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી રહી છે અને તેમની સઘન તપાસ ચાલી રહી છે. જોકે, હોસ્પિટલ પ્રશાસન તરફથી હજુ સુધી તેમની તબિયત અંગે કોઈ સત્તાવાર ‘હેલ્થ બુલેટિન’ જાહેર કરવામાં આવ્યું નથી.

સોનિયા ગાંધીને આ પહેલા પણ શ્વાસની તકલીફનો સામનો કરવો પડ્યો છે. બે મહિના પહેલા જ, 5 જાન્યુઆરી 2026 ના રોજ રાત્રે 10 વાગ્યે તેમને શ્વાસ લેવામાં ભારે તકલીફ થતાં સર ગંગા રામ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. એ સમયે ડોક્ટરોએ જણાવ્યું હતું કે શિયાળાની કડકડતી ઠંડી અને દિલ્હીના પ્રદૂષણને કારણે તેમની હાલત વધુ ખરાબ થઈ હતી. ઊંડાણપૂર્વક તપાસ બાદ ડોક્ટરોને જાણવા મળ્યું હતું કે તેમનો ‘બ્રોન્કિયલ અસ્થમા’ (શ્વાસનળીનો અસ્થમા) વકરી ગયો છે. એ વખતે તેઓ 6 દિવસ સુધી હોસ્પિટલમાં રહ્યા હતા અને રજા મળ્યા બાદ પણ તેમના નિવાસસ્થાને તેમની સારવાર ચાલુ રહી હતી.

79 વર્ષીય સોનિયા ગાંધીને લાંબા સમયથી ઉધરસ અને શ્વાસની બીમારી સતાવી રહી છે, જેના કારણે તેઓ નિયમિતપણે રૂટિન ચેકઅપ માટે ડોક્ટર પાસે જતા રહે છે. ગયા વર્ષે, 7 જૂન 2025 ના રોજ જ્યારે તેઓ હિમાચલ પ્રદેશના પ્રવાસે ગયા હતા, ત્યારે પણ તેમની તબિયત અચાનક બગડી ગઈ હતી. તે સમયે સોનિયા ગાંધી શિમલામાં તેમની પુત્રી પ્રિયંકા ગાંધી વાડ્રાના ઘરે રોકાયા હતા. તબિયત વધુ લથડતાં તેમને પહેલા શિમલાની એક સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા અને ત્યારબાદ શિમલાથી દિલ્હી પરત લાવીને ફરીથી સર ગંગા રામ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

https://www.instagram.com/timenewsguj/?hl=en

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો:  25 માર્ચે ટેરોટ કાર્ડ રીડિંગ મુજબ કેવું રહેશે બારેય રાશિઓના જાતકોનું કિસ્મતનું કાર્ડ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *