કાશ્મીરમાં ખામેનીના પોસ્ટરોની સાથે લોકો રસ્તા પર ઉતર્યા, ઈઝરાયલ-અમેરિકા વિરુદ્ધ લગાવ્યા નારા

મધ્ય પૂર્વમાં એક નવું યુદ્ધ શરૂ થઈ ગયું છે. ઈઝરાયેલ અને અમેરિકાએ સાથે મળીને ઈરાન પર હુમલો કરી દીધો છે. રાજધાની તેહરાન ઉપરાંત ઈરાનના અનેક શહેરોમાં સતત હુમલા થઈ રહ્યા છે. આ હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર અયાતોલ્લાહ ખામેનીનું મૃત્યુ થયું છે, પરંતુ ઈરાને પણ વળતો પ્રહાર કરતા મધ્ય પૂર્વમાં અમેરિકાના સૈન્ય મથકોને નિશાન બનાવ્યા છે. આ દરમિયાન કાશ્મીરમાં ઈરાનના સમર્થનમાં અને અમેરિકા-ઈઝરાયેલના વિરોધમાં સૂત્રોચ્ચાર થઈ રહ્યા છે. કાશ્મીરના બડગામમાં શિયા મુસ્લિમો ‘અમેરિકા મુર્દાબાદ, ઈઝરાયેલ મુર્દાબાદ’ના નારા લગાવી રહ્યા છે.
કાશ્મીરના બડગામમાં હજારોની સંખ્યામાં શિયા મુસ્લિમ સમુદાયના લોકો રસ્તા પર પ્રદર્શન કરી રહ્યા છે. તેમના હાથમાં ઈરાની સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામનેઈના મોટા પોસ્ટરો છે. આ લોકો ‘અમેરિકા મુર્દાબાદ’, ‘ઈઝરાયેલ મુર્દાબાદ’ અને ‘ઈઝરાયેલનો જે યાર છે, ગદ્દાર છે, ગદ્દાર છે’ જેવા સૂત્રોચ્ચાર કરી રહ્યા છે.
ઈરાન પર હુમલા બાદ અનેક કાશ્મીરી વિદ્યાર્થીઓ ત્યાં ફસાઈ ગયા છે. પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા અને મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આ અઠવાડિયાની શરૂઆતમાં ઈરાનમાં રહેતા કાશ્મીરી વિદ્યાર્થીઓને ભારત પરત ફરવા અપીલ કરી હતી, કારણ કે ત્યારે એરસ્પેસ ખુલ્લું હતું. ઘણા વિદ્યાર્થીઓ પાછા આવી પણ ગયા છે પરંતુ હજુ પણ ઘણા વિદ્યાર્થીઓ ત્યાં ફસાયેલા છે.
માત્ર કાશ્મીરી જ નહીં, પરંતુ સમગ્ર ભારતના અનેક વિદ્યાર્થીઓ ત્યાં ફસાયેલા છે. ત્યાં ફસાયેલા અનેક ભારતીય વિદ્યાર્થીઓએ વીડિયો જાહેર કરીને મદદની અપીલ કરી છે. બીજી તરફ, ઈરાન સ્થિત ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી છે અને હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યા છે.
https://www.instagram.com/timenewsguj
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો:યુદ્ધના માહોલ વચ્ચે ગુજરાતીઓ બેહરીન સહિતના એરપોર્ટ પર ફસાયા, અમદાવાદથી દુબઇ જતી તમામ ફ્લાઇટસ રદ