એક તરફ બોર્ડની એક્ઝામ, ને બીજી તરફ પોસ્ટ-પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવવાની ધમકી

 સુરત, વલસાડ અને નવસારી બાદ હવે અમરેલીમાં પણ પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા હડકંપ મચી ગયો છે. અજાણ્યા શખ્સોએ ઇ-મેઈલ મારફતે અમરેલી પોસ્ટ ઓફિસને નિશાન બનાવી ધમકી પાઠવી હતી. ધમકી મળતા જ સ્થાનિક પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોસ્ટ ઓફિસને ખાલી કરાવી દેવામાં આવી અને આસપાસના વિસ્તારમાં પણ ચકાસણી હાથ ધરાઈ. અધિકારીઓએ સમગ્ર પરિસ્થિતિ પર કડક નજર રાખી છે અને ઇ-મેઈલ મોકલનારની ઓળખ માટે તપાસ શરૂ કરવામાં આવી છે.

અમરેલી પહેલાં નવસારીના નાગ તલાવડી વિસ્તારમાં આવેલી પોસ્ટ ઓફિસને પણ ઇ-મેઈલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ધમકી મળતા જ બોમ્બ સ્ક્વોડ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. સુરક્ષા કારણોસર પોસ્ટ ઓફિસ ખાલી કરાવવામાં આવી અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી ગયા. ફાયર વિભાગને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યું હતું જેથી કોઈ અનિચ્છનીય બનાવ બન્યે તાત્કાલિક કાર્યવાહી કરી શકાય. સઘન તપાસ છતાં પ્રાથમિક તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. પરંતુ તંત્ર કોઈ જોખમ લેવા તૈયાર નથી.સુરત, નવસારી, વલસાડ જ નહીં પણ બનાસકાંઠા અને પાલનપુરની પોસ્ટ ઓફિસમાં પણ ધમકી ભર્યા મેઈલ આવ્યા છે જેં લીધે ત્યાં પણ તંત્ર એલર્ટ થઈ ગયું છે.

લગાતાર અલગ-અલગ શહેરોમાં પોસ્ટ ઓફિસોને નિશાન બનાવી ધમકીઓ મળતા સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની ગઈ છે. પોલીસ દ્વારા સાયબર સેલની મદદથી ઇ-મેઈલના સોર્સ સુધી પહોંચવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ આ ધમકીઓ પાછળ કોઈ શરારતી તત્વો કે સુવ્યવસ્થિત ષડયંત્ર હોવાની શક્યતા પણ તપાસ હેઠળ છે. હાલમાં તમામ સંવેદનશીલ સરકારી કચેરીઓમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે અને નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો:કોલકાતામાં 5.5ની તીવ્રતાના ભૂકંપના આંચકા, ઘર ઓફિસોમાંથી લોકો રસ્તા પર દોડી આવ્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *