સુપ્રીમ કોર્ટે ટેરિફને ગેરકાયદેસર જાહેર કરતા ટ્રમ્પ લાલઘૂમ: કહ્યું ‘આ શરમજનક છે, મારી પાસે પ્લાન B તૈયાર છે’

Oplus_131072

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ન્યાયતંત્ર તરફથી અત્યાર સુધીનો સૌથી મોટો આંચકો લાગ્યો છે. શુક્રવારે (20 February, 2026) યુએસ સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપીને ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા લાદવામાં આવેલા તમામ ટેરિફને ગેરકાયદેસર જાહેર કર્યા છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ટેરિફ લાદવાની સત્તા માત્ર યુએસ સંસદ (કોંગ્રેસ) પાસે છે, રાષ્ટ્રપતિ પાસે નહીં. આ આદેશ આવતાની સાથે જ વ્હાઇટ હાઉસમાં ખળભળાટ મચી ગયો હતો અને રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ નિર્ણયને અત્યંત “શરમજનક” ગણાવીને પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપી છે.

જ્યારે સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય જાહેર થયો ત્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક કરી રહ્યા હતા. ચુકાદાની જાણ થતા જ તેમણે નારાજગી વ્યક્ત કરી હતી. ટ્રમ્પે બેઠકમાં હાજર રહેલા લોકોને આશ્વાસન આપતા કહ્યું કે, ભલે કોર્ટે આંચકો આપ્યો હોય, પરંતુ તેમની પાસે આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે એક વૈકલ્પિક યોજના (Plan B) તૈયાર છે. જોકે, વ્હાઇટ હાઉસના સત્તાવાર પ્રવક્તા દ્વારા હજુ સુધી આ અંગે કોઈ ઔપચારિક સ્ટેટમેન્ટ જારી કરવામાં આવ્યું નથી.

ચીફ જસ્ટિસ જોન જી. રોબર્ટ્સ જુનિયરની આગેવાની હેઠળની બેન્ચે 6-3 ના બહુમતી મતે આ ચુકાદો આપ્યો છે. કોર્ટે નોંધ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે વિશ્વના 100 થી વધુ દેશો પર ટેરિફ લાદીને પોતાના બંધારણીય અધિકારક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું છે. ટ્રમ્પે 1970 ના દાયકાના કટોકટીના કાયદાનો સહારો લીધો હતો, પરંતુ કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ કાયદામાં ક્યાંય પણ “ટેરિફ” શબ્દનો ઉલ્લેખ નથી. બંધારણ મુજબ, કરવેરા કે ટેરિફ સંબંધિત નિર્ણયો લેવાની સત્તા માત્ર જનતા દ્વારા ચૂંટાયેલી કોંગ્રેસ પાસે જ રહેલી છે.

બીજી તરફ, ડોનાલ્ડ ટ્રમ્પ સતત ટેરિફનો બચાવ કરતા આવ્યા છે. તેમણે આયાતી વસ્તુઓ પરના કરને અમેરિકાની આર્થિક સુરક્ષા માટે કરોડરજ્જુ સમાન ગણાવ્યા છે. ટ્રમ્પે અગાઉ આગાહી કરી હતી કે જો આ ટેરિફ હટાવવામાં આવશે તો અમેરિકાના ઉદ્યોગો પડી ભાંગશે અને દેશ આર્થિક રીતે બરબાદ થઈ જશે. તેમણે આ ટેરિફનો ઉપયોગ ચીન અને અન્ય દેશો સાથેના વેપાર સોદાઓમાં ‘બાર્ગેનિંગ ચિપ’ તરીકે પણ કર્યો હતો.

નીચલી અદાલતોમાં હાર્યા બાદ ટ્રમ્પને આશા હતી કે સુપ્રીમ કોર્ટમાં તેમને મોટી રાહત મળશે, પરંતુ અહીં પણ તેમને નિષ્ફળતા મળી છે. હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે ટ્રમ્પનો આગળનો રસ્તો શું હશે?

શું તેઓ કોંગ્રેસમાં આ અંગે નવો કાયદો પસાર કરાવશે?
અથવા તે કોઈ અન્ય વહીવટી આદેશ (Executive Order) દ્વારા ટેરિફને ફરી લાગુ કરવાની કોશિશ કરશે?

આ નિર્ણયથી વૈશ્વિક શેરબજારો અને આંતરરાષ્ટ્રીય વેપારી સમુદાયમાં અત્યારે ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. ભારત સહિતના દેશો માટે આ ચુકાદો રાહતરૂપ સાબિત થઈ શકે છે, કારણ કે ટ્રમ્પની ટેરિફ નીતિથી નિકાસ પર ભારે અસર પડી રહી હતી.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: 30 વર્ષ જૂના કેસનો ચુકાદો: પતિનું પત્નીને થપ્પડ મારવું ક્રૂરતા નથી: ગુજરાત હાઇકોર્ટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *