T20 World cup: 2026નો શંખનાદ! આજથી રોમાંચ થશે શરૂ, પ્રથમ દિવસે રમાશે 3 મેચ, જાણો શું છે શેડ્યુલ

આજથી ક્રિકેટના સૌથી ટૂંકા અને રોમાંચક ફોર્મેટ એવા ટી20 વર્લ્ડ કપ 2026નો શંખનાદ થવા જઈ રહ્યો છે. ભારત અને શ્રીલંકાની યજમાનીમાં રમાનારા આ મહાકુંભમાં કુલ 20 ટીમો ભાગ લઈ રહી છે. આ વખતે મેદાન પર રમાનારી મેચોની સાથે-સાથે મેદાનની બહારની રાજનીતિ અને વિવાદો પણ ચર્ચાના કેન્દ્રમાં રહ્યા છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત આ વખતે સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં પોતાનો ખિતાબ બચાવવા મેદાનમાં ઉતરશે.

વર્લ્ડ કપના પ્રથમ દિવસે ક્રિકેટ પ્રેમીઓને ત્રણ મેચનો ડોઝ મળશે. ઉદ્ઘાટન મેચ સવારે 11 વાગ્યે કોલંબોમાં પાકિસ્તાન અને નેધરલેન્ડ વચ્ચે રમાશે. ત્યારબાદ બપોરે 3 વાગ્યે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં વેસ્ટ ઈન્ડિઝ અને સ્કોટલેન્ડ વચ્ચે ટક્કર થશે. દિવસની સૌથી લોકપ્રિય મેચ સાંજે 7 વાગ્યે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે, જ્યાં યજમાન ભારત અને અમેરિકાની ટીમો આમને-સામને હશે.

ટીમ ઈન્ડિયા: ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે મજબૂત દાવેદાર

રોહિત શર્મા અને વિરાટ કોહલીની વિદાય બાદ ભારતીય ટીમ સંપૂર્ણપણે નવા અવતારમાં જોવા મળશે. સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની આ ટીમ સૌથી સંતુલિત માનવામાં આવી રહી છે. ઓપનિંગમાં ઈશાન કિશન અને અભિષેક શર્માની જોડી જોવા મળી શકે છે. નિષ્ણાતોના મતે ભારત આ વખતે યજમાન દેશ વર્લ્ડ કપ ન જીતી શકે તેવો મિથક તોડી શકે છે. હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ અને જસપ્રીત બુમરાહ જેવા દિગ્ગજો ટીમની તાકાત છે.

મેદાનની બહારનો ડ્રામા

ટુર્નામેન્ટની શરૂઆત પહેલા જ સુરક્ષા અને IPL કોન્ટ્રાક્ટ વિવાદને કારણે બાંગ્લાદેશે ભારતમાં રમવાનો ઇનકાર કર્યો હતો, જેના સમર્થનમાં પાકિસ્તાને પણ ભારત સામેની મેચનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. જોકે, ICC એ સ્પષ્ટ કર્યું છે કે ટુર્નામેન્ટ નિર્ધારિત સમયપત્રક મુજબ જ ચાલશે. આ વિવાદો વચ્ચે નેપાળ અને ઈટાલી જેવી એસોસિએટ ટીમો પણ આ વખતે મોટો ઉલટફેર કરવા તૈયાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *