ભાવનગરમાં ગાડી ન આપતા યુવાનની હત્યા, એક્ટિવા ન આપતા 5 શખસે મળી યુવકને છરી-ધારીના ઘા માર્યા

ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં ગતરાત્રિના હત્યાનો બનાવ સામે આવ્યો છે. એક્ટિવા ન આપવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલી ઉગ્ર બનતા પાંચ શખસે યુવાન પર છરી અને ધારયા વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો હતો. યુવકને છાતી, પડખામાં છરી અને માથામાં ધારિયાનો ધા મારતા ઢળી પડ્યો હતો. બાદમાં આરોપીઓ ધોક્કા લઈ તૂટી પડ્યાં હતાં. ગંભીર હાલમાં સારવારમાં ખસેડાતા યુવકે દમ તોડી દીધો હતો. આ મામલે બોરતળાવ પોલીસે 5 આરોપી વિરુદ્ધ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, 12 દિવસમાં ભાવનગરમાં આ હત્યાની બીજી ઘટના છે. રાત્રિના સમયે આરોપીઓ બેફાન બની ફરતા હોય તેવો ઘાટ હાલ શહેરમાં ઘડાયો છે.

આ બનાવ અંગે સિટી DSYP આર. આર. સિંધાલે જણાવ્યું હતું કે, બોરતળાવ પોલીસ સ્ટેશનના કુંભારવાડા વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડનો આ બનાવ છે. મુખ્ય આરોપી નદીમ મંસુરે ભોગ બનનાર સાહિલ પાસે તેની એક્ટિવા માંગતા આ બનાવના ભોગબનનાર સાહિલે તેને એક્ટિવા આપવાની ના પાડી હતી. ત્યારે નદીમે કહ્યું કે, તારી પાસે અવારનવાર ગાડી માંગીએ છીએ તો તું આપતો નથી. તેથી બંને વચ્ચે બોલાચાલી થઈ અને ઉગ્ર ઝઘડો થયો હતો. આ બનાવમાં સલીમ, શાહનવાજ, સાદિક અને સાહિલ તેવો ધોકા, છરી અને ધાર્યું લઈને આવ્યા અને આ સાહિલને મારમારી અને શરીરે ગંભીર ઇજાઓ કરી હતી.

આ ઝઘડો ચાલતો હતો તે દરમિયાન આ બનાવના ફરિયાદી મોઇનભાઈ, સલીમભાઈ અને તેમના પાડોશી તેઓ વચ્ચે પડ્યા અને ઈજાગ્રસ્ત સાહિલને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતાં. જ્યાં સારવાર દરમિયાન આજરોજ વહેલી સવારે સાહિલનું મોત નીપજ્યુ હતું. આ હત્યાના બનાવ અંગે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં મોઇનભાઈની ફરિયાદ લઈને ગુનો દાખલ કર્યો છે.

બોરતળાવ પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ, ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડ, કર્વાટર નંબર 63 સામે રહેતા સાહિલ જાહિદભાઈ સૈયદની નજીવી બાબતે નિર્મમ હત્યા કરવામાં આવી છે. આ મામલે મૃતકના દાદાના દીકરા (ભાઈ) મોઈનભાઈ રસુલભાઈ સૈયદ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ મુજબ ગત 15 જાન્યુઆરીના રોજ રાત્રિના આશરે સાડા બાર વાગ્યાના સમયે કાકા જાહીદભાઈના ઘરની નજીક હોબાળો થતા તેઓ ત્યાં પહોંચ્યા હતા. જ્યાં શેરીમાં રહેતા નદીમ મનસુરભાઈ સોરઠીયા, સલીમ કાસમભાઈ સોરઠીયા અને સાહિલ રસુલભાઈ શાહ સહિતના સાહિલ પર હુમલો કરતા જોવા મળ્યા હતા. નદીમ અને સલીમ પાસે છરી, જ્યારે સાહિલ શાહ પાસે ધારિયું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

ગંભીર રીતે લોહીલુહાણ બનેલા સાહિલને પહેલા રિક્ષામાં અને બાદમાં 108 એમ્બ્યુલન્સ મારફતે સર ટી હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે તપાસ બાદ તેને મૃત જાહેર કર્યો હતો. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે, આરોપી નદીમ દ્વારા એક્ટિવા માંગવામાં આવી હતી અને ઇનકાર કરતા આ ઝઘડો હત્યામાં ફેરવાયો હતો.

આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક બોરતળાવ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસ બાદ પોલીસે આ બનાવમાં સંડોવાયેલા નદીમ મનસુરભાઈ સોરઠીયા, સલીમ કાસમભાઈ સોરઠીયા, સાહિલ રસુલભાઈ શાહ, શાહનવાજ સલીમભાઈ સોરઠીયા તથા સીદીક સલીમભાઈ સોરઠીયા વિરુદ્ધ BNS કલમ 103(1), 125(a), 125(b), 324(4), 54 તેમજ જી.પી. એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધી તમામ આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ અને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *