ડૉનાલ્ડ ટ્રમ્પની 500% ટેરિફની ધમકીથી શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 750 પોઈન્ટનો કડાકો

ભારતીય શેરબજારમાં ઉથલપાથલ મચી ગઈ છે, સતત ચોથા દિવસે પણ ઘટાડાનો દોર ચાલી રહ્યો છે. બજાર સુધરવામાં નિષ્ફળ રહેવાના કારણો અંગે રોકાણકારો વધુને વધુ ચિંતિત થઈ રહ્યા છે. ખરેખર, ગુરુવારનું બજાર પણ ઘટાડા સાથે ખુલ્યું. સેન્સેક્સ લગભગ 200 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો અને ધીમે ધીમે બજાર પર વેચવાલી હાવી થઈ ગઈ હતી. બપોરે 3:15 વાગ્યે સેન્સેક્સ 750 પોઈન્ટ તૂટીને 84,200 પર ટ્રેડ કરી રહ્યો હતો. જ્યારે નિફ્ટી 260 પોઈન્ટની વધુ તૂટીને 25900 નીચે આવી ગયો.
ઓઈલ અને મેટલના શેર સૌથી વધુ દબાણ હેઠળ છે, જેમાં હિન્ડાલ્કોના શેર 3.77 ટકા, ONGCના શેર 3.12 ટકા અને Jio Financeના શેર 3 ટકા ઘટ્યા છે.
આ બિલનો હેતુ રશિયા પર આર્થિક દબાણ વધારવાનો
ભારત રશિયન તેલનો મુખ્ય ખરીદદાર રહ્યો છે. આયાતમાં ક્રૂડ તેલનો હિસ્સો 30% થી વધુ છે. દરમિયાન, યુએસમાં ‘Sanctioning Russia Act of 2025’ નામનું નવું બિલ રજૂ કરવામાં આવ્યું છે. તેને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એક મોટું પગલું ગણાવવામાં આવી રહ્યું છે. આ બિલનો હેતુ રશિયા પર આર્થિક દબાણ વધારવાનો છે.
ટ્રમ્પની ટેરિફ ધમકીથી કોને નુકસાન થાય છે?
આ અંતર્ગત, રશિયા પાસેથી તેલ, ગેસ અથવા અન્ય ઉર્જા ખરીદતા દેશો પર ભારે ટેરિફ લાદવામાં આવી શકે છે. અહેવાલો સૂચવે છે કે ટેરિફ 500% સુધી પહોંચી શકે છે. આ મુખ્યત્વે ભારત, ચીન અને બ્રાઝિલને અસર કરી શકે છે.
જો યુએસ 500% ટેરિફ લાદે છે તો તેનો અર્થ યુએસમાં ભારતીય નિકાસ પર ભારે ટેરિફ હોઈ શકે છે, જેનાથી યુએસમાં ભારતીય ઉત્પાદનોની કિંમતમાં વધારો થઈ શકે છે અને વેપારને નુકસાન થઈ શકે છે. જો કે, ભારત સરકારે હજુ સુધી આ મુદ્દા પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.
આ ઉપરાંત, અન્ય મુખ્ય વૈશ્વિક બજારોનું નબળું પ્રદર્શન પણ એક પરિબળ છે. જાપાનના નિક્કી 225 અને હોંગકોંગના હેંગ સેંગમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. બુધવારે યુએસ બજારો પણ નીચા સ્તરે બંધ થયા, જે વધતા વૈશ્વિક પડકારોનો સંકેત આપે છે. ત્રીજું મુખ્ય કારણ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) દ્વારા શેરનું સતત વેચાણ છે. જાન્યુઆરીની શરૂઆતમાં જ, વિદેશી રોકાણકારોએ હજારો કરોડ રૂપિયાના શેર વેચી દીધા છે. આનાથી ભારતીય બજાર પર દબાણ વધ્યું છે અને રોકાણકારોની ભાવના નબળી પડી છે. જોકે, થોડા દિવસોમાં, ભારતીય કંપનીઓ તેમના ત્રીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કરવાનું શરૂ કરશે, જે બજારના વાતાવરણને બદલી શકે છે.