ઉત્તરાયણ પર્વે ગુજરાતમાં દિગ્ગજોનો જમાવડો: PM મોદી અને અમિત શાહ અમદાવાદના આંગણે, જાણો સમગ્ર પ્રવાસનો શિડ્યુલ

ગુજરાત માટે આગામી જાન્યુઆરી મહિનો ઉત્સવો અને મહાનુભાવોના આગમનથી ધમધમતો રહેવાનો છે. સુપ્રસિદ્ધ પતંગ મહોત્સવ અને ઉત્તરાયણની ઉજવણીમાં ચાર ચાંદ લગાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 11 થી 14 જાન્યુઆરી દરમિયાન બંને દિગ્ગજ નેતાઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 અને 12 જાન્યુઆરીના રોજ બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવશે. પીએમ મોદી 12 જાન્યુઆરીના રોજ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ’ નું ભવ્ય ઉદ્ઘાટન કરી શકે છે. આ ઉપરાંત, તેઓ સાબરમતી રિવરફ્રન્ટ પર જ આયોજિત ‘ઈન્ટરનેશનલ ફ્લાવર શો 2026’ની પણ મુલાકાત લેશે અને કુદરતી સૌંદર્યની વચ્ચે જનતાનું અભિવાદન ઝીલશે. પીએમ મોદીના આગમનને પગલે તંત્ર દ્વારા અત્યારથી જ સુરક્ષા અને વ્યવસ્થાની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે.
વડાપ્રધાનના પ્રવાસ બાદ, 13 અને 14 જાન્યુઆરીના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં હાજર રહેશે. અમિત શાહ દર વર્ષની જેમ આ વર્ષે પણ પોતાની પરંપરા જાળવી રાખતા અમદાવાદમાં જ ઉત્તરાયણની ઉજવણી કરશે. તેઓ અમદાવાદના ઘાટલોડિયા અને નારણપુરા જેવા વિસ્તારોમાં કાર્યકરો અને સામાન્ય જનતા સાથે ધાબા પર પતંગ ચગાવતા જોવા મળશે. લોકસંપર્ક અને તહેવારની મજા માણવા માટે અમિત શાહ ખાસ કરીને પોતાના જુના મતવિસ્તારના લોકોની મુલાકાત લેતા હોય છે.
આ હાઈ-પ્રોફાઈલ મુલાકાતોને પગલે અમદાવાદ પોલીસ અને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. રિવરફ્રન્ટ વિસ્તારમાં સુરક્ષાના ચુસ્ત બંદોબસ્તની સાથે સાથે ટ્રાફિક નિયમન માટે પણ ખાસ રોડ-મેપ તૈયાર કરવામાં આવ્યો છે. પતંગ મહોત્સવ અને ફ્લાવર શોમાં ઉમટતી ભીડને ધ્યાનમાં રાખીને વધારાની સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે.