કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો; CM મમતા બેનર્જીએ માંગી માફી

કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડિયમમાં સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સીની એક ઝલક જોવા માટે ભેગા થયેલા ચાહકોને અપેક્ષા મુજબ તેને જોવાની તક ન મળતા તેઓ ગુસ્સે ભરાયા હતા. ગુસ્સે ભરાયેલા ચાહકોએ સ્ટેન્ડ પરથી બોટલો અને ખુરશીઓ ફેંકવાનું શરૂ કર્યું. પરિસ્થિતિ વધુ વણસી જતાં, લિયોનેલ મેસ્સીને કડક સુરક્ષા હેઠળ સોલ્ટ લેક સ્ટેડિયમની બહાર લઈ જવામાં આવ્યો.

“12,000 રૂપિયાની ટિકિટ ખરીદી, તેનો ચહેરો પણ જોવા મળ્યો નહીં.”

મેસ્સીના એક ચાહકે ગુસ્સામાં કહ્યું, “મેસ્સી ફક્ત રાજકારણીઓ અને કલાકારોથી ઘેરાયેલો હતો. અમને શા માટે આમંત્રણ આપવામાં આવ્યું? અમે 12,000 રૂપિયાની ટિકિટ ખરીદી, પરંતુ તેનો ચહેરો પણ જોઈ શક્યા નહીં.”

તે ફક્ત 10 મિનિટ માટે આવ્યો, ફૂટબોલ પણ રમ્યો નહીં.

બીજા ચાહકે કહ્યું, “આ એક ખુબ ખરાબ આયોજન હતું. મેસ્સી ફક્ત 10 મિનિટ માટે આવ્યો અને ચાલ્યો ગયો. તેણે એક કીક પણ મારી નહીં કે પેનલ્ટી પણ લીધી નહીં. અમારા પૈસા, લાગણીઓ અને સમય બધુ વેડફાયું.” ચાહકોનો આરોપ છે કે મેસ્સીની આસપાસ ફક્ત રાજકારણીઓ અને મંત્રીઓ હાજર હતા, જ્યારે સામાન્ય દર્શકોને દૂર રાખવામાં આવ્યા હતા. આ કારણે, સ્ટેડિયમમાં હાજર હજારો લોકો તેમને યોગ્ય રીતે જોઈ પણ શક્યા નહીં.

ક્રોધિત ચાહકોએ એમ પણ કહ્યું કે આયોજકોએ શાહરૂખ ખાનની હાજરીનું વચન આપ્યું હતું, પરંતુ તે વચન પૂરું થયું નહીં. એક ચાહકે કહ્યું, “શાહરૂખ ખાન પણ આવવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ કોઈને લાવવામાં આવ્યા નહીં.”

મમતા બેનર્જીએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું: “આ ગેરવહીવટની ઘટનાથી હું ખૂબ જ દુઃખી અને આઘાત પામી છું. હું આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના માટે લિયોનેલ મેસ્સી તેમજ તમામ રમતપ્રેમીઓ અને તેમના ચાહકોની દિલથી માફી માંગુ છું. હું ન્યાયાધીશ (નિવૃત્ત) આશિષ કુમાર રાયના નેતૃત્વમાં એક તપાસ સમિતિની રચના કરી રહી છું, જેમાં ગૃહ અને હિલ અફેર્સ વિભાગના મુખ્ય સચિવ અને અધિક મુખ્ય સચિવનો સમાવેશ થશે. આ સમિતિ ઘટનાની વિગતવાર તપાસ કરશે, જવાબદારી નક્કી કરશે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે પગલાં સૂચવશે. ફરી એકવાર, હું બધા રમતપ્રેમીઓની દિલથી માફી માંગુ છું.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *