‘ચાર ચાર બંગડી’ ફેમ સિંગર કિંજલ દવે બંધાઈ સગાઈના બંધનમાં, એક્ટર-બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે કરી સગાઈ

ગુજરાતી લોકસંગીતની લોકપ્રિય સિંગર કિંજલ દવે 6 ડિસેમ્બર 2025ના રોજ સગાઈના પવિત્ર બંધનમાં બંધાઈ ગઈ. કિંજલ દવેએ પોતાનાં ફેસબુક એકાઉન્ટ પરથી સગાઈનો વીડિયો પોસ્ટ કરી “God’s Plan” લખીને આ ખાસ ક્ષણ ચાહકો સાથે શેર કરી. જેવો તેની સગાઈનો વીડિયો બહાર આવ્યો તેમ જ સોશિયલ મીડિયામાં અભિનંદનોનો વરસાદ શરૂ થઈ ગયો. કિંજલના ફેન્સમાં આ સમાચારથી ખુશી, ઉત્સાહ અને થોડું આશ્ચર્ય પણ જોવા મળ્યું. ‘ચાર ચાર બંગડીવાળી’ સિંગરે જીવનના નવા અધ્યાયની શરૂઆત કરી છે, જેને લોકો દિલથી વધાવી રહ્યા છે.
માહિતી મુજબ કિંજલ દવે અને ધ્રુવિન શાહ ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં. બંનેએ આ લાંબા સમયના સંબંધને હવે સગાઈ દ્વારા સત્તાવાર સ્વીકૃતિ આપી છે. 5 ડિસેમ્બરના રોજ ગોળધાણા અને 6 ડિસેમ્બરે સગાઈ સેરેમની યોજાઈ. ખાસ વાત એ છે કે આ વિશેષ પ્રસંગમાં યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ હાજર રહ્યા. સેરેમનીનો પરિવારિક વાતાવરણ, ઉજવણીનો માહોલ અને કિંજલ–ધ્રુવિનનો ડાન્સ વીડિયો સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
કિંજલ દવેના મંગેતર ધ્રુવિન શાહ માત્ર એક અભિનેતા જ નથી. ધ્રુવિન શાહે તેના ફિલ્મી કરિયરની શરૂઆત ફિલ્મ વર્ષ 2017 માં ફિલ્મ ‘સુપરસ્ટાર’ થી કરી હતી. જેમાં તેની સાથે ટેલિવિઝનની જાણીતી એક્ટ્રેસ રશ્મિ દેસાઇ હતી. ધ્રુવિને તેની ફિલ્મી એક્ટિંગની તાલીમ ફોરેનથી લીધી છે. તે એક જાણીતી બિઝનેસ ફેમિલીમાંથી આવે છે. તેઓ જોજો એપ (JoJo App) નામની લોકપ્રિય ગુજરાતી કન્ટેન્ટ એપ્લિકેશનના ફાઉન્ડર પણ છે. એક્ટિંગ, ઉદ્યોગસાહસ અને ટેક્નોલોજી—all-in-one એવા ધ્રુવિન શાહને મલ્ટી-ટેલેન્ટેડ અને સફળ યુવા એન્ટ્રપ્રેન્યોર તરીકે ઓળખવામાં આવે છે. કિંજલ અને ધ્રુવિનનાં આ જોડાણને ગુજરાતનાં મ્યુઝિક અને ફિલ્મ જગતમાં પણ ભારે પ્રશંસા મળી રહી છે.