અડાલજથી પાલાવસણા સુધી 8 લેન હાઈવે બનશે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય

ઉત્તર ગુજરાત માટે એક સૌથી મોટા સારા સમાચાર સામે આવ્યા છે. આજે ઉત્તર ગુજરાતના વિકાસને વધુ વેગ મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વાસ્તવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ અમદાવાદથી મહેસાણા વચ્ચેના મુખ્ય રોડને આધુનિક અને વિસ્તૃત બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી આવનારા સમયમાં ટ્રાફિક સમસ્યામાં મોટો ઘટાડો થશે અને મુસાફરી વધુ સરળ બનશે.

વિગતો મુજબ અમદાવાદ-મહેસાણા હાઇવે પરથી દિવસમાં હજારોની સંખ્યામાં વાહનો પસાર થાય છે ત્યારે હવે સરકારે એક મોટો નિર્ણય લીધો છે. પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે, અડાલજથી પાલાવસણા સર્કલ સુધીનો માર્ગ હવે 8લેનમાં વિકસાવવામાં આવશે. આ સમગ્ર પ્રોજેક્ટ માટે અંદાજે રૂપિયા 2630 કરોડનો ખર્ચ કરવામાં આવશે. માર્ગને અપગ્રેડ કરતી વખતે બંને બાજુ 7 મીટર પહોળા સર્વિસ રોડ પણ બનાવવામાં આવશે, જેથી સ્થાનિક વાહન વ્યવહાર સરળ બની રહે.

આ સાથે પ્રોજેક્ટ અંતર્ગત કુલ 6 નવા ફ્લાયઓવર બનાવવાની યોજના છે. ખાસ કરીને કલોલ ખાતે 4 લેનનો આધુનિક ફ્લાયઓવર બનશે, જે શહેરના ટ્રાફિક દબાણને ઓછું કરવામાં મદદરૂપ થશે. ઉપરાંત માર્ગ અને મકાન વિભાગ દ્વારા 8 અંડરપાસને પણ મંજૂરી આપવામાં આવી છે, જેથી લોકોની અવરજવર વધુ સુરક્ષિત અને સુગમ બને. સરકારનું લક્ષ્ય છે કે આ તમામ કામો ઝડપથી પૂર્ણ થાય, જેથી ઉત્તર ગુજરાતના ઉદ્યોગ, વેપાર અને રોજગારીના ક્ષેત્રોને સીધો લાભ મળે.

આ ઉપરાંત પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત પણ મહત્વની ચર્ચા કરવામાં આવી છે. આ યોજના હેઠળ રાજ્યમાં કુલ 2020 કિલોમીટર લાંબા નવા રસ્તાઓ બનાવવામાં આવશે. આ કામ માટે અંદાજે 2600 કરોડ રૂપિયાનો ખર્ચ થશે, જે મુખ્યત્વે કેન્દ્ર સરકારની ગ્રાન્ટના આધાર પર કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *