
આ વખતે ગુજરાતને આંગણે નેશનલ એવોર્ડ્સ સમારોહ યોજાયો છે અને મોંઘેરા મહેમાનો પણ ધીરે ધીરે આવવા માંડ્યા છે. 22 સપ્ટેમ્બરે કેવડિયા પાસે એક્તા નગરમાં 72માં નેશનલ ફિલ્મ એવોર્ડ્સનું આયોજન થયું છે. આ પ્રતિષ્ઠિત સમારોહનું ભવ્ય રીતે આયોજન કરાયું છે. જ્યાં મહેમાનો માટે એક મોટો પંડાલ, એર કન્ડીશન્ડ ડોમ અને પૂરતી વ્યવસ્થા કરાઈ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આ સમારોહમાં પુરસ્કાર આપશે. આ સમારોહ બપોરે 3 વાગે શરૂ થવાનો છે. બોલીવુડ અભિનેતા કાર્તિક આર્યન પણ સમારોહમાં સામેલ થવા માટે ગુજરાત પહોંચી ચૂક્યો છે.
ગુજરાતના નર્મદા જિલ્લાના એક્તા નગર (કેવડિયા)માં બોલીવુડ હસ્તીઓનો જમાવડો થવા લાગ્યો છે. જેમાં કાર્તિક આર્યન પણ સામેલ છે. કાર્તિક આર્યને સોશિયલ મીડિયામાં પોતાની સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતનો વીડિયો અને ફોટા શેર કર્યા છે જે ખુબ વાયરલ થયા છે.
અત્રે જણાવવાનું કે 1954મા શરૂ થયેલા આ નેશનલ ફિલ્મ એવોર્ડ્સ ફીચર ફિલ્મો, નોન ફીચર ફિલ્મો, અને સિનેમા લેખનમાં ઉત્કૃષ્ટતાને પ્રાધાન્ય આપે છે. આ એવોર્ડ્સ ભારતની ભાષાઓ, ક્ષેત્રો અને સિનેમાઈ રૂપોની ફિલ્મો તથા ફિલ્મ નિર્માણને સામેલ કરે છે.
કોની કોની થઈ છે પસંદગી?
2024 ફિલ્મ વર્ષના મુખ્ય સન્માનોમાં નીચેના એવોર્ડ્સ માટે જાહેરાત થઈ છે.
‘અમરન’ ફિલ્મને ડાયરેક્ટર રાજકુમાર પેરિયાસામી માટે બેસ્ટ ડાયરેક્શનનો એવોર્ડ
‘આર્ટિકલ 370’ બેસ્ટ ફીચર ફિલ્મ
‘ભંગાર’ એ બેસ્ટ નોન ફીચર ફિલ્મ
‘રામ નામી’ બેસ્ટ ડોક્યુમેન્ટરી
મમૂટી અને કાર્તિક આર્યન- બેસ્ટ એક્ટર (ક્રમશ: ‘બ્રહ્મયુગમ’ અને ‘ચંદુ ચેમ્પિયન’)
યામી ગૌતમ- ‘આર્ટિકલ 370’ માટે બેસ્ટ એક્ટ્રેસ
રણદીપ હુડ્ડા- ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’ ફિલ્મ માટે ડાયરેક્ટર માટેની બેસ્ટ ડેબ્યુ ફિલ્મનો એવોર્ડ
‘કલ્કી 2898 AD’ ફિલ્મને બેસ્ટ પોપ્યુલર ફિલ્મ તરીકે એવોર્ડ
