ચીનમાં 5.2ની તીવ્રતાનો ભૂકંપ, અનેક ઈમારતો ધરાશાયી, બેના મોત

દક્ષિણ ચીનના ગુઆંગશી સ્વાયત્ત ક્ષેત્રમાં સોમવારે એક શક્તિશાળી ભૂકંપ આવ્યો, જેના કારણે લોકોમાં ડર ફેલાયો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, 5.2 ની તીવ્રતાના ભૂકંપમાં ઓછામાં ઓછા બે લોકો માર્યા ગયા છે, જ્યારે એક વ્યક્તિ હજુ પણ ગુમ છે. ઘણા લોકો ઘાયલ થયાના અહેવાલ પણ છે. ચીનની સત્તાવાર સમાચાર એજન્સી શિન્હુઆ અને સરકારી ટીવી ચેનલ CCTV અનુસાર, ભૂકંપ સોમવારે રાત્રે 12:21 વાગ્યે લિઉઝોઉ શહેરના લિઉનાન જિલ્લામાં આવ્યો હતો. તેનું કેન્દ્ર તાઈયાંગચુન શહેર નજીક હતું. ભૂકંપની ઊંડાઈ માત્ર 8 કિલોમીટર હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે ભૂકંપ ખૂબ જ શક્તિશાળી હતો .

વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, ભૂકંપને કારણે 13 ઇમારતો ધરાશાયી થઈ ગઈ છે. સાવચેતીના પગલા તરીકે 7,000થી વધુ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. વિસ્તારમાં અનેક ઘરો અને ઇમારતોને નુકસાન થયું હોવાના અહેવાલ છે. રાહત અને બચાવ ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં કામગીરી ચાલુ રાખી રહી છે.સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે ચાર લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની હાલત હાલમાં ખતરાની બહાર હોવાનું જાણવા મળ્યું છે. એક વ્યક્તિની શોધખોળ ચાલી રહી છે. ભૂકંપ ફક્ત લિઉઝોઉ પૂરતો મર્યાદિત નહોતો. નાનિંગ અને ગુઇલિન સહિત ગુઆંગશી પ્રદેશના ઘણા મોટા શહેરોમાં પણ ભૂકંપનો અનુભવ થયો. મોડી રાત્રે આવેલા ભૂકંપના કારણે રહેવાસીઓ પોતાનું ઘર છોડી બહાર રહેવા માટે મજબૂર બન્યા હતા 

રેલ્વે અધિકારીઓએ જણાવ્યું હતું કે ભૂકંપ બાદ રેલ લાઇન પર તપાસ કરવામાં આવી રહી છે. આનાથી કેટલીક ટ્રેનોની અવરજવરમાં વિક્ષેપ પડી શકે છે અને મુસાફરોને વિલંબ થઈ શકે છે. જોકે, વીજળી, પાણી, ગેસ અને ટેલિકોમ્યુનિકેશન જેવી આવશ્યક સેવાઓ સામાન્ય રીતે કાર્યરત છે.

ચીનના આપત્તિ વ્યવસ્થાપન વિભાગે આ વિસ્તારમાં દેખરેખ વધારી દીધી છે અને લોકોને સંભવિત આફ્ટરશોક્સની અપેક્ષાએ સતર્ક રહેવા વિનંતી કરી છે. સ્થાનિક અધિકારીઓ અસરગ્રસ્ત પરિવારોને કામચલાઉ રાહત શિબિરોમાં ખસેડવા અને જરૂરી સહાય પૂરી પાડવા માટે કામ કરી રહ્યા છે.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *