Mahashivratri 2025: મહાશિવરાત્રી પર મહાકુંભમાં મહાસ્નાન, હેલિકોપ્ટરથી ભક્તો પર ફૂલોની વર્ષા કરવામાં આવી

મહાશિવરાત્રી અવસર પર, આજનો દિવસ ઉત્તર પ્રદેશની યોગી સરકાર માટે કોઈ મહત્વપૂર્ણ કસોટીથી ઓછો નથી. મહાકુંભના છેલ્લા દિવસે, મોટી સંખ્યામાં ભક્તો પવિત્ર સ્નાન માટે પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. આજે બે કરોડથી વધુ શ્રદ્ધાળુઓ આવવાની અપેક્ષા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશ પર, મેળા પ્રશાસને તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. આજે વહેલીસ વારે 41 લાખ લોકોએ ડુબકી લગાવી છે.
છેલ્લા 44 દિવસમાં મેળામાં 65 કરોડથી વધુ ભક્તોની હાજરીથી સરકાર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા પર સકારાત્મક અસર પડી છે. ભલે વિપક્ષે સંગમના પાણીથી લઈને વ્યવસ્થા સુધીના અનેક પ્રશ્નો ઉભા કર્યા છે, પરંતુ અત્યાર સુધી આ પડકારોનો સફળતાપૂર્વક સામનો કરવામાં આવ્યો છે.
સીએમ યોગી મહાકુંભમાં વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરી રહ્યા છે
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગોરખનાથ મંદિર સ્થિત કંટ્રોલ રૂમમાંથી મહાકુંભની વ્યવસ્થા પર નજર રાખી રહ્યા છે.
મહાકુંભ દર ૧૨ વર્ષે એકવાર યોજાય છે
મહાશિવરાત્રિના અવસર પર, ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન માટે મોટી સંખ્યામાં યાત્રાળુઓ પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. છ અઠવાડિયા લાંબા મહાકુંભનો આજે છેલ્લો દિવસ છે. મહાકુંભ દર ૧૨ વર્ષે એકવાર યોજાય છે અને એવું માનવામાં આવે છે કે તે મોક્ષ આપે છે.
મહાકુંભમાં સાફ સફાઇ માટે ૧૫ હજાર સેનિટેશન વર્કર્સ તૈનાત કરાયા હતા, એક જ સ્થળે એક સાથે 15 હજાર લોકો દ્વારા સાફસફાઇ કરીને એક નવો વિક્રમ સ્થાપિત કર્યો છે જેની ગિનિસ વર્ડ રેકોર્ડ દ્વારા નોંધ લેવામાં આવી શકે છે અને પરીણામ ૨૭મી ફેબુ્રઆરીએ જાહેર કરાશે. ગિનિસ સાથે જોડાયેલા રિશિ નાથે કહ્યું હતું કે અમે ભાગ લેનારા તમામ વર્કર્સને કાંડે એક પટ્ટી બાંધી હતી, જેમાં યુનિક ક્યૂઆર કોડ પણ છે. તેમની કામગીરીની અમે નોંધ લીધી છે. બીજી તરફ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે મક્કા મદિના હજ માટે દર વર્ષે 1.4 કરોડ લોકો જાય છે, વેટિકન સિટીમાં 80 લાખ લોકો જાય છે. જ્યારે બીજી તરફ માત્ર અયોધ્યામાં જ ૫૨ દિવસમાં 16 કરોડ શ્રદ્ધાળુઓનું સ્વાગત કરાયું. મહાકુંભમાં પહોંચનારાઓનો આંકડો તો કરોડોમાં છે જ સાથે અન્ય ધાર્મિક સ્થળોએ પણ લાખો લોકોએ પહોંચીને અનોખો રેકોર્ડ પણ સ્થાપિત કર્યો છે.