
બંગાળની ખાડી ભારતની દરિયાઈ સુરક્ષા અને વેપાર માર્ગો માટે સંવેદનશીલ ક્ષેત્ર છે. ભારતીય કોસ્ટ ગાર્ડ બંગાળની ખાડીમાં સખત સુરક્ષા માટે કડક દેખરેખ રાખે છે. કોસ્ટ ગાર્ડે ભારતીય સરહદમાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરવા બદલ 35 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી તેમની બે માછીમારી બોટ જપ્ત કરી છે. ઘૂસણખોરી કરી રહેલા તમામને પકડીને વધુ કાનૂની કાર્યવાહી માટે મરીન પોલીસને સોંપવામાં આવ્યા છે. આ બધા બાંગ્લાદેશી ઘૂસણખોરો છે પરંતુ પકડાઈ જતાં પોતાને માછીમાર તરીકે ઓળખાવી રહ્યા છે.
જપ્ત કરાયેલી બોટ અને ક્રૂને કોસ્ટ ગાર્ડ (ICG) દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ કાનૂની કાર્યવાહી માટે મરીન પોલીસ, ફ્રેઝરગંજને સોંપવામાં આવ્યા છે. બંગાળની ખાડીમાંથી જપ્ત કરાયેલી બે બોટનું નામ સબીના-1 અને રૂપાસી સુલ્તાના છે. સબીના-1 ટ્રોલર પર 11 બાંગ્લાદેશી હતા જ્યારે રૂપાસી સુલ્તાના ટ્રોલર પર 24 હતા.
ભારતીય કોસ્ટ ગાર્ડના ડીઆઈજી અમિત ઉનિયાલે જણાવ્યું હતું કે તાજેતરના વર્ષોમાં ગેરકાયદેસર ઘૂસણખોરી અને દાણચોરીના પ્રયાસોમાં વધારો થયો છે. ભારતીય કોસ્ટ ગાર્ડે છેલ્લા ત્રણ મહિનામાં આઠ બાંગ્લાદેશી બોટ જપ્ત કરી છે અને 170 માછીમારોની ધરપકડ કરી છે. આ બધા માછીમારો ભારતીય પાણીમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ્યા હતા.
દરિયાઈ સુરક્ષા અને ગેરકાયદેસર ઘૂસણખોરીને રોકવામાં કોસ્ટ ગાર્ડની આ કાર્યવાહીને મોટી સફળતા માનવામાં આવી રહી છે.ઘૂસણખોરોને દરિયાઈ સરહદમાં ફરીથી પ્રવેશતા અટકાવવા માટે સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ અને દેખરેખ વધારવામાં આવી છે.
