Unbearable increase in dry fruit prices: અફઘાનિસ્તાની ડ્રાયફ્રૂટના 300 ટ્રક અટારી બોર્ડરે અટક્યા, દેશભરમાં ભાવોમાં અસહ્ય વધારો

પહેલગામના આતંકવાદી હુમલા બાદ અફઘાનિસ્તાનથી પાકિસ્તાનના માર્ગે ભારત આવતા જરદાળુ, બદામ, કાળી અને લીલી કિસમિસ, પિસ્તા, અખરોટના ભાવમાં 15 ટકાનો વધારો થઈ ગયો છે. અમદાવાદના ડ્રાય ફ્રૂટના અગ્રણી વેપારી સુભાષ અગ્રવાલનું કહેવું છે કે, મામરો બદામના કિલોદીઠ ભાવમાં 400 થી 600 રૂપિયા, અંજીરના ભાવમાં 150 રૂપિયા, જરદાળુના ભાવમાં 50 રૂપિયા, કિસમિસના ભાવમાં 40 રૂપિયા, કાજુના કિલોદીઠ ભાવમાં 150 રૂપિયા, પિસ્તાના ભાવમાં 300 રૂપિયાનો વધારો થયો છે. આ જ રીતે અખરોટના ભાવમાં પણ તેજી જોવા મળી રહી છે. આ વધારાની અસર અમદાવાદ, ગુજરાત સહિત આખા દેશમાં જોવા મળી શકે છે. 

એવામાં કાબૂલથી વિમાન માર્ગે ડ્રાય ફ્રૂટનો સપ્લાય આવી શકે છે. પરંતુ કાબૂલથી કાર્ગો ફ્‌લાઈટ ભારત તરફ બહુ જ મર્યાદિત સંખ્યામાં આવે છે. તેથી ડ્રાય ફ્રૂટ વધુ સમય ટ્રાન્ઝિટમાં રહે તો સડી જવાનું જોખમ પણ રહેલું છે. કિસમિસ અને અંજીર સડી જવાનું જોખમ સૌથી વધારે છે. હવે અફઘાનિસ્તાનના ડ્રાય ફ્રૂટ ઇરાનના ચાબહાર બંદરે થઈને ભારત સુધી આવી શકે તેવો એક વિકલ્પ ખુલ્લો છે. અફઘાનિસ્તાનથી પાકિસ્તાન થઈને ભૂમિ માર્ગે ડ્રાય ફ્રૂટ આવે છે તેમાં ચારેક દિવસ લાગે છે, પરંતુ ઈરાન થઈને ભારત સુધી તે મોકલવામાં આવે તો એક મહિના જેટલો સમય લાગી જાય છે. 

આ ગાળામાં તેને ફ્રીજમાં રાખવાની સુવિધા ન હોય તો માલ ખાસ્સો બગડી જવાની સંભાવના રહેલી છે. અત્યારે અફઘાનિસ્તાનથી ભારતમાં ડ્રાય ફ્રૂટની ડ્યૂટી ફ્રી આયાત કરે છે. સાર્ક નામની સંસ્થાના સભ્ય દેશો વચ્ચેના વેપારના નિયમો હેઠળ તેની ડ્યૂટી ફ્રી આયાત થઈ શકે છે. પરંતુ આ જ માલ ઇરાનની સીમાએથી ભારતમાં મોકલવામાં આવશે તો તેને પરિણામે ડ્યૂટી મુક્ત આયાત થશે કે ડ્યૂટી ભરવી પડશે તે અત્યારે સ્પષ્ટ નથી.

અફઘાનિસ્તાનથી આવતા ડ્રાય ફ્રૂટ પાકિસ્તાન થઈને ભારત આવે છે. પહલગામ પછી પાકિસ્તાન સામે ભારત સરકાર દ્વારા લેવામાં આવી રહેલા પગલાંને પરિણામ ડ્રાય ફ્રૂટનો સપ્લાય જ ખોરવાઈ જવાની સંભાવના રહેલી છે. ભારતમાં ડ્રાય ફ્રૂટની સૌથી વધુ નિકાસ અફઘાનિસ્તાન કરે છે. અફઘાનિસ્તાનથી ભારતમાં દર વર્ષ અંદાજે 20,000 ટન ડ્રાય ફ્રૂટની આયાત થાય છે. જરદાળુ, બદામ, લીલી અને કાળી કિસમિસ, પિસ્તા, અખરોટનો સપ્લાય અટકી જવાની સંભાવના છે. ભારતમાં ડ્રાય ફ્રૂટનો વપરાશ છેલ્લાં થોડા વર્ષોથી વધી રહ્યો છે. તેથી સપ્લાયની ખેંચ વધતા ભાવ વધારો ઊંચો આવી શકે છે.

આ પણ વાંચો, Amreli: SPC કેડેટ કેમ્પમાં વિજ્ઞાન જાથાનો જાગૃતિ કાર્યક્રમ યોજાયો, ભૂત-પ્રેત, ધૂણવું-સવારી, સંશયના જાથાએ જવાબો આપ્યા

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *