ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી

CM Bhupendra Patel
CM Bhupendra Patel

આગામી 16 જુલાઈએ અષાઢી બીજના પવિત્ર દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા નીકળવાની છે. આ ઐતિહાસિક યાત્રા શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે પાર પડે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને સુરક્ષા અને અન્ય તૈયારીઓની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. રથયાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 31 હજારથી વધુ પોલીસકર્મીઓ અને આધુનિક ટેક્નોલોજીથી ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ ઉપરાંત રાજ્યભરમાં નીકળનારી અન્ય 230 રથયાત્રાઓ અને અમદાવાદની 6 મિની રથયાત્રાઓ અંગે પણ તેમણે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

રથયાત્રા દરમિયાન સુરક્ષામાં કોઈ જ કચાશ ન રહી જાય એટલે કે ‘ઝીરો રિસ્ક’ પોલિસી સાથે પોલીસ તંત્ર કામ કરી રહ્યું છે. 31,000 થી વધુ પોલીસ જવાનો તો ખડેપગે રહેશે જ, સાથે સાથે 16 કિલોમીટર લાંબા રૂટ પર 240 થી વધુ ધાબા પોઈન્ટ ઉભા કરાયા છે. આકાશમાંથી 65 ડ્રોન કેમેરા અને 2800 થી વધુ બોડી વોર્ન કેમેરાથી પોલીસ ચારેતરફ બાજ નજર રાખશે. અમદાવાદના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે પ્રેઝન્ટેશન દ્વારા મુખ્યમંત્રીને આ તમામ તૈયારીઓની વિસ્તૃત માહિતી આપી હતી.

ભગવાન જગન્નાથની આ 16 કિલોમીટર લાંબી ભવ્ય રથયાત્રામાં 101 ટ્રકો, 30 અખાડા અને 18 ભજન મંડળીઓ જોડાશે, જે આખા માહોલને ભક્તિમય બનાવી દેશે. ભીડભાડ વાળા વિસ્તારોમાં જર્જરિત મકાનો પાસે લોકો ભેગા ન થાય અને કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે ખાસ વ્યવસ્થા કરવા મુખ્યમંત્રીએ મ્યુનિસિપલ કમિશનરને કડક સૂચના આપી છે. આ ઉપરાંત, કોઈ મેડિકલ ઈમરજન્સી ઉભી થાય તો તેને પહોંચી વળવા માટે AMC ના 15 મેડિકલ ઓફિસર, 100 હેલ્થ વર્કર, 31 ફાયર વ્હીકલ અને 237 ફાયર જવાનોનો કાફલો પણ રસ્તા પર તૈનાત રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *