આંકડો હજુ વઘશે!નવી દિલ્હી સ્ટેશન પર મહાકુંભમાં જઈ રહેલા 18 લોકોના નાસભાગમાં મોત મૃતકોને 10 લાખ વળતરની જાહેરાત

શનિવારે રાત્રે લગભગ 9:26 વાગ્યે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર થયેલી ભાગદોડમાં 18 લોકોના મોત થયા હતા. આમાં 14 મહિલાઓ અને 3 બાળકો છે. 25થી વધુ લોકો ઘાયલ થયા છે. લોક નાયક જય પ્રકાશ હોસ્પિટલ (LNJP)એ મૃત્યુની પુષ્ટિ કરી છે. PM મોદી, અમિત શાહ, CM યોગી, આપ અને કોંગ્રેસ સહિતનાઓએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો. રાહુલે કહ્યું- રેલવેની નિષ્ફળતા અને સરકારની અસંવેદનશીલતા સામે આવી છે.
આ દુર્ઘટના પ્લેટફોર્મ નંબર 13, 14 અને 15 વચ્ચે થઈ હતી. મહાકુંભમાં જવા માટે સાંજે 4 વાગ્યાથી સ્ટેશન પર ભીડ એકઠી થવા લાગી. રાત્રે લગભગ 8.30 વાગ્યે પ્રયાગરાજ જતી 3 ટ્રેનો મોડી પડી, જેના કારણે ભીડ વધી ગઈ અને નાસભાગ મચી ગઈ.
શરૂઆતમાં ઉત્તર રેલવેના CPRO (ચીફ પબ્લિક રિલેશન ઓફિસર)એ ભાગદોડની વાતનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે આ માત્ર એક અફવા છે.
પરંતુ દિલ્હીના LG વીકે સક્સેનાએ એક ટ્વિટમાં મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો. માત્ર 20 મિનિટ પછી LNJPએ 15 લોકોના મૃત્યુની પુષ્ટિ કરી. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.
દુર્ઘટના બાદ રેલવેએ ભાગદોડમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને 10 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. તથા ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને 2.5 લાખ રૂપિયા અને સામાન્ય રીતે ઘાયલ થયેલા લોકોને 1 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે.
આ પહેલા 29 જાન્યુઆરીએ પ્રયાગરાજના મહાકુંભમાં 30 લોકોના મોત થયા હતા. 10 ફેબ્રુઆરી, 2013ના રોજ કુંભ દરમિયાન પ્રયાગરાજ સ્ટેશન પર ભાગદોડ મચી ગઈ હતી. આ અકસ્માતમાં 36 લોકોના મોત થયા હતા.