
અમદાવાદના લાખો વાહનચાલકો માટે હવે વાહન સંબંધિત દસ્તાવેજો સમયસર અપડેટ રાખવા વધુ જરૂરી બનશે. નવી ડિજિટલ સિસ્ટમ હેઠળ વાહનના મહત્વના દસ્તાવેજો જેમ કે ઇન્સ્યોરન્સ, પીયુસી (PUC) અને ફિટનેસ સર્ટિફિકેટની માન્યતા પૂર્ણ થતા જ તેની અસર સીધી વાહનના ઓનલાઈન રેકોર્ડ પર જોવા મળશે.
નવી વ્યવસ્થામાં વાહન સંબંધિત માહિતી ‘વાહન પોર્ટલ’ સાથે આપમેળે જોડાયેલી રહેશે. જો કોઈ વાહનનું ઇન્સ્યોરન્સ, પીયુસી અથવા ફિટનેસ સમયસર રિન્યૂ નહીં કરવામાં આવે તો સિસ્ટમ તે વાહનનું સ્ટેટસ બદલી શકે છે અને તેને ડી-એક્ટિવ અથવા બ્લેકલિસ્ટ શ્રેણીમાં મૂકી શકે છે.વાહનમાલિકોને સીધી કાર્યવાહી પહેલાં તક આપવામાં આવશે. દસ્તાવેજો અપડેટ કરવા માટે કુલ 45 દિવસનો સમય મળશે. આ સમયગાળા દરમિયાન દર 15 દિવસે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર ડિજિટલ નોટિસ મોકલાશે. આમ કુલ ત્રણ વખત સૂચના આપવામાં આવશે. જો છતાં પણ જરૂરી દસ્તાવેજો અપડેટ નહીં થાય તો સંબંધિત માહિતી ટ્રાફિક વિભાગ અને આરટીઓ સુધી પહોંચાડવામાં આવશે. ત્યારબાદ ચકાસણી દરમિયાન નિયમોનો ભંગ જોવા મળશે તો દંડાત્મક કાર્યવાહી થઈ શકે છે.
આ નિર્ણયનો મુખ્ય હેતુ માર્ગ સલામતી વધારવો, કાયદેસર દસ્તાવેજો જાળવવા પ્રોત્સાહન આપવું અને અકસ્માત સમયે વાહનમાલિકોને વીમા લાભથી વંચિત ન રહેવા દેવાનો છે. વાહનચાલકો માટે સૌથી યોગ્ય પગલું એ રહેશે કે તેઓ પોતાના વાહનના ઇન્સ્યોરન્સ, પીયુસી અને અન્ય જરૂરી દસ્તાવેજોની સમયમર્યાદા નિયમિત તપાસતા રહે અને સમયસર રિન્યૂ કરાવે.
