
રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ દ્વારા વિધાનસભામાં પસાર કરવામાં આવેલા બિલ પર નિર્ણય લેવામાં આવે છે, અત્યાર સુધી બિલ પર મહોર મારવા માટે કોઈ સમયમર્યાદ ન હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે 8 એપ્રિલના રોજ ઐતિહાસિક નિર્ણય લઈને સમયમર્યાદા નિર્ધારીત કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ રાષ્ટ્રપતિ મુર્મૂએ સુપ્રીમ કોર્ટના નિર્ણયનો વિરોધ કરી બિલની ડેડલાઈન તથા ‘પાવર’ મુદ્દે 14 સવાલ પૂછ્યા હતા. જોકે સુપ્રીમ કોર્ટે આ ઐતિહાસિક નિર્ણય પર ફેર વિચારણા શરૂ કરી દીધી છે. હવે સુપ્રીમ કોર્ટની પાંચ ન્યાયાધીશોની બેંચ રાષ્ટ્રપતિના 14 સવાલો મામલે આજે (22 જુલાઈ) સુનાવણી હાથ ધરી કેન્દ્ર સરકાર અને તમામ રાજ્ય સરકારોને નોટિસ પાઠવી જવાબ માંગ્યો છે. આગામી સુનાવણી ઓગસ્ટના મધ્યમાં હાથ ધરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક નિર્ણય લઈને રાષ્ટ્રપતિ-રાજ્યપાલોને કોઈપણ વિધેયકને મંજૂરી આપવા માટે સમયમર્યાદા નિર્ધારીત કરવા કહ્યું હતું, ત્યારબાદ રાષ્ટ્રપતિએ કોર્ટના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા. હવે રાષ્ટ્રપતિના 14 સવાલો મામલે આજે સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં મુખ્ય ન્યાયાધીશ બી.આર.ગવઈ, ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયાધીશ વિક્રમ નાથ, ન્યાયાધીશ પી.એસ.નરસિમ્હા અને ન્યાયાધીશ એ.એસ.ચંદૂરકરની બેંચે ઓગસ્ટના મધ્યમાં આગામી સુનાવણી હાથ ધરવાનો નિર્ણય લીધો છે.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ બંધારણની કલમ 143(1) હેઠળ સુપ્રીમ કોર્ટને સવાલ કર્યો હતો કે, શું સુપ્રીમ કોર્ટ કલમ 201 હેઠળ રાજ્યપાલો દ્વારા અનામત રાખવામાં આવેલા બિલ પર નિર્ણય લેવા માટે રાષ્ટ્રપતિ માટે ત્રણ મહિનાની સમય મર્યાદા નિશ્ચિત કરી શકે છે? જોકે, બંધારણમાં આવી કોઈ જોગવાઈ નથી. ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈએ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધાના બીજા જ દિવસે રાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટ સામે મોટો સવાલ ઊભો કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટે તમિલનાડુ વિ. ગવર્નર કેસમાં 8 એપ્રિલે ચૂકાદો આપ્યો હતો કે, રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ કોઈ બિલને અનિશ્ચિતકાળ સુધી રોકી શકે નહીં.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ બંધારણની કલમ 143(1) હેઠળ તેમને મળેલી સત્તાનો ઉપયોગ કરતા સુપ્રીમ કોર્ટને પાંચ પાનાના રેફરન્સમાં 14 સવાલ કર્યા છે. આ સાથે રાષ્ટ્રપતિએ વિધાનસભા અને સંસદ દ્વારા પસાર કરેલા બિલો અંગે કલમ 200 અને કલમ 201 હેઠળ રાજ્યપાલ, રાષ્ટ્રપતિની સત્તાઓ અંગે સુપ્રીમ કોર્ટનો મત માગ્યો છે.
સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રપતિને કોઈપણ સવાલોનો અથવા બધા સવાલોનો જવાબ આપવાનો ઈનકાર કરી શકે છે. કલમ 200 રાજ્ય વિધાનસભા દ્વારા બિલ પસાર કરવા સંબંધિત પરિસ્થિતિઓ અને રાજ્યપાલ પાસે સંમતિ આપવા અથવા સંમતિ રોકવા અથવા બિલને પુન: વિચારણા માટે રાષ્ટ્રપતિને મોકલવા સંબંધેના વિકલ્પો અંગે છે. કલમ 201 રાજ્યપાલ દ્વારા રાષ્ટ્રપતિને વિચારણા માટે અનામત રાખેલા બિલો સંબંધે છે.
રાષ્ટ્રપતિ મુર્મુએ સુપ્રીમ કોર્ટને પૂછ્યા આ 14 પ્રશ્નો
કલમ 200 હેઠળ કોઈ બિલને રજૂ કરવા પર રાજ્યપાલ સમક્ષ બંધારણીય વિકલ્પો કયા છે?
શું રાજ્યપાલે કોઈ બિલ રજૂ થતા મંત્રીપરિષદની સલાહ ફરજિયાત માનવી જ પડે?
કલમ 200 હેઠળ રાજ્યપાલ દ્વારા બંધારણીય વિવેકાધિકારનો ઉપયોગ ન્યાયિક સમીક્ષા હેઠળ આવે છે કે નહી?
કલમ 361 શું રાજ્યપાલના કાર્યોની ન્યાયિક સમીક્ષા પર પૂર્ણ પ્રતિબંધ લગાવે છે?
શું રાજ્યપાલ માટે કોઈ બિલ પર કાર્યવાહી માટે સમય મર્યાદા નિશ્ચિત કરી શકાય છે?
કલમ 201 હેઠળ રાષ્ટ્રપતિ દ્વારા બંધારણીય વિવેકાધિકારનો ઉપયોગ ન્યાયિક સમીક્ષા હેઠળ આવે છે કે નહીં?
શું રાષ્ટ્રપતિ દ્વારા વિવેકાધિકારનો ઉપયોગ કરવા માટે સમય મર્યાદા નિશ્ચિત કરી શકાય?
શું રાજ્યપાલ દ્વારા રાષ્ટ્રપતિ પાસે બિલ મોકલવાની સ્થિતિમાં રાષ્ટ્રપતિને સુપ્રીમ કોર્ટ પાસેથી મત લેવો ફરજિયાત છે?
શું કલમ 200 અને 201 હેઠળ રાજ્યપાલ અને રાષ્ટ્રપતિના નિર્ણય કાયદાના અમલી બનતા પહેલા ન્યાયિક સમીક્ષા હેઠળ આવે છે? શું બિલને કાયદો બનતા પહેલા તેની સામગ્રી પર કોર્ટ વિચાર કરી શકે છે?
શું કલમ 142 હેઠળ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલના બંધારણીય આદેશોને બદલી શકે છે?
રાજ્ય વિધાન મંડળ દ્વારા પસાર કાયદા શું રાજ્યપાલની સ્વીકૃતિ વિના અમલી માની શકાય?
શું કલમ 143(3) હેઠળ કોઈ બંધારણીય પ્રશ્ન પર વિચાર માટે સુપ્રીમ કોર્ટની લઘુત્તમ પાંચ ન્યાયાધીશોવાળી બેન્ચનું હોવું અનિવાર્ય છે?
શું કલમ 142 હેઠળ સુપ્રીમ કોર્ટની શક્તિઓ માત્ર પ્રક્રિયા સુધી મર્યાદિત છે અથવા સબટેન્ટિવ કાયદાથી વિપરિત આદેશ પણ આપી શકે છે?
શું બંધારણની કલમ 131 હેઠળ દાખલ કેસ ઉપરાંત, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે વિવાદોના ઉકેલ માટે સુપ્રીમ કોર્ટના અન્ય કોઈ અધિકાર ક્ષેત્ર પર પ્રતિબંધ છે?
