Site icon Time News

સરકાર કેમ પેટ્રોલમાં વધારી રહી છે ઇથેનોલ? જાણો ફાયદા, નુકસાન અને આખો વિવાદ

વર્ષો સુધી પેટ્રોલ એટલે માત્ર ક્રૂડ ઓઈલમાંથી બનતું ઇંધણ એવી માન્યતા હતી. પરંતુ હવે પેટ્રોલ પંપ પર મળતા ઇંધણમાં ધીમે-ધીમે ઇથેનોલનું પ્રમાણ વધી રહ્યું છે. દેશમાં 1 એપ્રિલ 2026થી E-20 પેટ્રોલનો અમલ થઈ ચૂક્યો છે, જ્યારે 48 પેટ્રોલ પંપ પર E-85 પણ શરૂ થઈ ગયું છે અને ડિસેમ્બર 2026 સુધી તેને 500 પંપ સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક છે. સરકાર તેને ભારતની એનર્જી સિક્યોરિટીનું સૌથી મોટું હથિયાર ગણાવી રહી છે, પરંતુ બીજી તરફ ખેડૂતો, ખાદ્ય સુરક્ષા, પાણી અને વાહનોના માઇલેજને લઈને અનેક સવાલો પણ ઉભા થઈ રહ્યા છે. આખરે ઇથેનોલ શું છે? તે કેવી રીતે બને છે? તેના ફાયદા શું છે અને વિવાદ શા માટે થાય છે?

ઇથેનોલ (Ethyl Alcohol) એક પ્રકારનો આલ્કોહોલ છે, જેનું રાસાયણિક સૂત્ર C₂H₅OH છે. તે રંગહીન અને અત્યંત જ્વલનશીલ પ્રવાહી છે. સામાન્ય રીતે શેરડી, મકાઈ, ઘઉં, તૂટેલા ચોખા અને સ્ટાર્ચ કે ખાંડ ધરાવતા અન્ય પાકોમાંથી તેનું ઉત્પાદન કરવામાં આવે છે.સરકાર જે ઇથેનોલની સૌથી વધુ ચર્ચા કરે છે તેનો મુખ્ય ઉપયોગ પેટ્રોલમાં ભેળવીને ઇંધણ તરીકે થાય છે. તેના કારણે પેટ્રોલમાં ક્રૂડ ઓઈલની જરૂરિયાત ઘટે છે.

ઘણા લોકોને લાગે છે કે ઇથેનોલનો ઉપયોગ માત્ર ફ્યુઅલ માટે થાય છે, પરંતુ હકીકતમાં તેનો ઉપયોગ અનેક ઉદ્યોગોમાં થાય છે.

ખેતરમાંથી પેટ્રોલ પંપ સુધી… ઇથેનોલ બને છે કેવી રીતે?

ઇથેનોલ બનાવવા પાછળ લાંબી પ્રક્રિયા હોય છે.

સૌપ્રથમ શેરડી, મકાઈ અથવા અન્ય કાચા માલમાંથી કુદરતી ખાંડ કાઢવામાં આવે છે. ત્યારબાદ તેમાં યીસ્ટ ઉમેરવામાં આવે છે. યીસ્ટ ખાંડને ફર્મેન્ટેશન પ્રક્રિયા દ્વારા આલ્કોહોલમાં ફેરવે છે.

ત્યારબાદ આ મિશ્રણને ડિસ્ટિલેશન પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવે છે, જ્યાં શુદ્ધ ઇથેનોલ અલગ કરવામાં આવે છે. ફ્યુઅલ તરીકે ઉપયોગ માટે તેમાં પાણી લગભગ શૂન્ય જેટલું હોવું જરૂરી હોવાથી મોલેક્યુલર સીવ ટેક્નોલોજી દ્વારા બાકી રહેલા પાણીના અણુ પણ દૂર કરવામાં આવે છે.અંતે ઓઈલ ડિપોમાં કમ્પ્યુટર દ્વારા નક્કી કરાયેલા પ્રમાણમાં પેટ્રોલ અને ઇથેનોલનું મિશ્રણ તૈયાર થાય છે અને ત્યાંથી દેશભરના પેટ્રોલ પંપ પર સપ્લાય કરવામાં આવે છે.

E-10, E-20 અને E-85 એટલે શું?

પેટ્રોલમાં ઇથેનોલ કેટલા ટકા ભળ્યું છે તેના આધારે તેનું નામ નક્કી થાય છે.

ભારત સરકારે સમગ્ર દેશમાં તબક્કાવાર E-20 અમલમાં મૂક્યું છે, જ્યારે E-85નો વિસ્તાર પણ ઝડપથી વધારવાની યોજના છે.

સરકાર ઇથેનોલને એટલું મહત્વ કેમ આપી રહી છે?

ભારત દર વર્ષે કાચા તેલની આયાત પાછળ અબજો ડોલર ખર્ચે છે. પેટ્રોલમાં ઇથેનોલનું પ્રમાણ વધશે તો ક્રૂડ ઓઈલની આયાતમાં ઘટાડો થશે. પેટ્રોલિયમ મંત્રાલયના આંકડા મુજબ છેલ્લા 12 વર્ષમાં ઇથેનોલ બ્લેન્ડિંગના કારણે ભારતે અંદાજે 302 લાખ મેટ્રિક ટન ક્રૂડ ઓઈલની આયાત ટાળી છે અને લગભગ ₹1.84 લાખ કરોડની વિદેશી હૂંડિયામણની બચત થઈ છે. સરકારના જણાવ્યા મુજબ આ સમયગાળા દરમિયાન ઇથેનોલ પ્રોજેક્ટના કારણે ખેડૂતોને અંદાજે ₹1.58 લાખ કરોડની આવક મળી છે.

નિતિન ગડકરી કેમ સતત ઇથેનોલની વાત કરે છે?

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરી લાંબા સમયથી ઇથેનોલ આધારિત પરિવહનને પ્રોત્સાહન આપી રહ્યા છે.સરકારે મૂળ વર્ષ 2030 સુધી પેટ્રોલમાં 20% ઇથેનોલ બ્લેન્ડિંગનું લક્ષ્ય નક્કી કર્યું હતું, પરંતુ તે લક્ષ્ય 2025માં જ પ્રાપ્ત થઈ ગયું.ત્યારબાદ 10 જૂને ગડકરીએ જાહેરાત કરી હતી કે સરકાર 100 ટકા ઇથેનોલ પર ચાલતા વાહનોને પણ મંજૂરી આપી ચૂકી છે.

ઇથેનોલથી શું ફાયદા થાય છે?

સરકાર અને નિષ્ણાતોના જણાવ્યા મુજબ ઇથેનોલના ઘણા ફાયદા છે. થી મોટો ફાયદો દેશની તેલ આયાતમાં ઘટાડો થાય છે.નીતિ આયોગના અંદાજ મુજબ શેરડી અને મકાઈ આધારિત ઇથેનોલના ઉપયોગથી ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન 60થી 65 ટકા સુધી ઘટી શકે છે. કાર્બન મોનોક્સાઇડ સહિતના કેટલાક પ્રદૂષકોનું ઉત્સર્જન પણ ઓછું થાય છે. બીજી તરફ શેરડી, મકાઈ અને ચોખાનું ઉત્પાદન કરતા ખેડૂતો માટે બજારમાં માંગ વધતા તેમની આવકમાં વધારો થવાની શક્યતા રહે છે.છતાં ઇથેનોલને લઈને વિવાદ કેમ થાય છે?

ઇથેનોલ સામેનો સૌથી મોટો સવાલ છે ‘Food vs Fuel’. નિષ્ણાતોનું માનવું છે કે જો મોટા પ્રમાણમાં ચોખા, મકાઈ અને અન્ય અનાજ ઇથેનોલ બનાવવા માટે વપરાશે તો ખાદ્ય અનાજની ઉપલબ્ધતા પર અસર પડી શકે છે, જેના કારણે બજારમાં ભાવ વધી શકે છે.

બીજો મોટો મુદ્દો પાણીનો છે. એક અંદાજ પ્રમાણે 1 લિટર ઇથેનોલ બનાવવા ચોખામાં અંદાજે 10,790 લિટર પાણી, મકાઈમાં લગભગ 4,670 લિટર પાણી, શેરડીમાં લગભગ 3,636 લિટર પાણી જરૂર પડે છે. પર્યાવરણવિદો માને છે કે ખાસ કરીને શેરડી જેવા વધુ પાણી માંગતા પાક પર નિર્ભરતા વધશે તો પાણીની અછત ધરાવતા વિસ્તારોમાં મુશ્કેલી ઊભી થઈ શકે છે.

વાહન માલિકોની ચિંતા પણ ઓછી નથી

કેટલાક મિકેનિક્સ અને ઓટોમોબાઇલ નિષ્ણાતોનું કહેવું છે કે ઇથેનોલનું પ્રમાણ વધ્યા પછી કેટલીક ગાડીઓમાં ફ્યુઅલ સેન્સર, ફ્યુઅલ પંપ અને ફિલ્ટર સંબંધિત ફરિયાદો વધી છે. કેટલાક લોકો માઇલેજ ઘટવાની ફરિયાદ પણ કરી રહ્યા છે. જોકે સરકાર સતત દાવો કરે છે કે નવા એન્જિન E-20 જેવા ઇંધણને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી રહ્યા છે. શું દરેક વાહન E-20 અથવા E-85 પર ચાલી શકે?

ના.

જૂની ગાડીઓમાં વધારે ઇથેનોલ ધરાવતા ઇંધણનો ઉપયોગ કરવાથી એન્જિન અને ફ્યુઅલ સિસ્ટમ પર અસર પડી શકે છે. આ કારણસર ઓટોમોબાઇલ કંપનીઓ હવે એવા નવા એન્જિન વિકસાવી રહી છે, જે E-20 અથવા તેનાથી વધુ ઇથેનોલવાળા ઇંધણ પર સરળતાથી ચાલી શકે.

દુનિયામાં ક્યાં-ક્યાં થાય છે ઇથેનોલનો સૌથી વધુ ઉપયોગ?

ભારત સિવાય બ્રાઝિલ વિશ્વમાં ઇથેનોલનો સૌથી મોટો ઉપયોગ કરનાર દેશોમાંનો એક છે. ત્યાં શેરડીમાંથી મોટા પાયે ઇથેનોલ બનાવવામાં આવે છે અને E-27થી લઈને E-100 સુધીના ફ્યુઅલ વિકલ્પ ઉપલબ્ધ છે. અમેરિકા મુખ્યત્વે મકાઈમાંથી ઇથેનોલ બનાવે છે, જ્યારે યુરોપના અનેક દેશો પણ બાયોફ્યુઅલના ઉપયોગને પ્રોત્સાહન આપી રહ્યા છે.

ભારત માટે ઇથેનોલ માત્ર એક વૈકલ્પિક ઇંધણ નથી, પરંતુ ઊર્જા આત્મનિર્ભરતા તરફનું મહત્વપૂર્ણ પગલું છે. એક તરફ તે ક્રૂડ ઓઈલ પરની નિર્ભરતા ઘટાડે છે, ખેડૂતોને નવી બજાર તક આપે છે અને પ્રદૂષણ ઘટાડવાનો દાવો કરે છે. બીજી તરફ ખાદ્ય સુરક્ષા, પાણીનો વધતો વપરાશ, વાહનોની કાર્યક્ષમતા અને બજાર પર તેની અસર જેવા મુદ્દાઓ પણ એટલા જ ગંભીર છે.આવતા વર્ષોમાં ભારત ઇથેનોલ આધારિત અર્થવ્યવસ્થાને કેટલી સફળતાથી આગળ ધપાવે છે, તે સરકારની નીતિઓ, ટેક્નોલોજી અને સંતુલિત અમલ પર નિર્ભર રહેશે.

Exit mobile version