
ચા હોય કે મીઠાઈ, ખાંડ આપણા રસોડા માટે એટલી અગત્યની છે કે,તેના ભાવમાં થોડો વધારો પણ સીધો ઘરનાં બજેટમાં અસર પાડે છે. પરંતુ છેલ્લા થોડા અઠવાડિયાથી ખાંડના ભાવ જે ઝડપે વધી રહ્યા છે તેણે સામાન્ય ગ્રાહકથી લઈને મીઠાઈ બનાવનારા વેપારીઓ સુધીની ચિંતા વધારી છે. જુલાઈમાં આશરે ₹48-50 પ્રતિ કિલો મળતી ખાંડ ઓગસ્ટમાં અનેક બજારોમાં ₹55-65 સુધી પહોંચી છે. કેટલાક વિસ્તારોમાં તો ₹70 પ્રતિ કિલો સુધીના ભાવ પણ નોંધાયા છે. હવે સવાલ એ છે કે દેશમાં શેરડીનું ઉત્પાદન અઢળક થાય છે, ખાંડની મિલો ચાલી રહી છે અને સરકાર પાસે સ્ટોક પણ છે તો પછી ખાંડ અચાનક મોંઘી કેમ થઈ?
આ ચર્ચામાં સૌથી વધુ જે નામ સામે આવી રહ્યું છે તે છે E20 પેટ્રોલ અને ઇથેનોલનું. એવી દલીલ છે કે શેરડીનો એક હિસ્સો ખાંડ બનાવવાને બદલે ઇથેનોલ બનાવવા વપરાઈ રહ્યો છે, જેના કારણે બજારમાં ખાંડની ઉપલબ્ધતા પર દબાણ આવ્યું છે. બીજી તરફ સરકાર તરફથી એવી દલીલ કરવામાં આવી રહી છે કે હાલની તેજી પાછળ માત્ર ઇથેનોલને જવાબદાર ગણવું યોગ્ય નથી; ઉત્પાદન, સ્ટોક, તહેવારોની માંગ અને બજારમાં સટ્ટાબાજી-જમાખોરી જેવા અનેક પરિબળો એકસાથે કામ કરી રહ્યા છે.
પેટ્રોલમાં ઇથેનોલ ભેળવવાની નીતિનો હેતુ પેટ્રોલિયમની આયાત પર ભારતની નિર્ભરતા ઘટાડવાનો છે. સરકાર E20 એટલે કે પેટ્રોલમાં 20% સુધી ઇથેનોલના મિશ્રણ તરફ આગળ વધી છે. ઇથેનોલ શેરડી ઉપરાંત મકાઈ, ચોખા અને અન્ય કાચા માલમાંથી પણ બનાવવામાં આવે છે. એટલે E20નો સીધો અર્થ એવો નથી કે પેટ્રોલમાં 20% ખાંડ નાખવામાં આવે છે. પરંતુ શેરડી અને ખાંડના ઉત્પાદન સાથે ઇથેનોલનું અર્થતંત્ર જોડાયેલું હોવાથી તેની અસર ખાંડના બજાર પર થઈ શકે છે. હવે અહીંથી જ પ્રોબ્લેમ શરૂ થાય છે.
શેરડીમાંથી ખાંડ બનાવવી અને ઇથેનોલ બનાવવું—બંને વચ્ચે એક પ્રકારની સ્પર્ધા ઊભી થાય છે. શેરડીનો જેટલો હિસ્સો ઇથેનોલ તરફ વળે, તેટલો હિસ્સો સીધો ખાંડના ઉત્પાદન માટે ઉપલબ્ધ રહેતો નથી. ભારતમાં ઇથેનોલની ઉત્પાદન ક્ષમતા છેલ્લા કેટલાક વર્ષોમાં ઝડપથી વધી છે. 2025ના મધ્ય સુધી દેશમાં આશરે 499 સ્થળોએ ઇથેનોલ ઉત્પાદનની કુલ ક્ષમતા 1,822 કરોડ લિટર પ્રતિ વર્ષ સુધી પહોંચી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. પરંતુ અહીં એક મુદ્દો મહત્વનો છે. ઇથેનોલ માત્ર શેરડીમાંથી જ બનતું નથી. મકાઈ, ચોખા અને અન્ય અનાજ પણ તેનો મોટો સ્ત્રોત છે. એટલે ખાંડના હાલના ભાવવધારા માટે E20ને એકમાત્ર કારણ ગણવું કેટલું યોગ્ય છે—તે મુદ્દે મતભેદ છે.
ખાંડના ભાવ પર સૌથી સીધી અસર ઉત્પાદન અને બજારમાં ઉપલબ્ધ સ્ટોકની થાય છે. જો ઉત્પાદન ઓછું રહે અને અગાઉનો સ્ટોક પણ ઘટતો જાય તો બજારમાં પુરવઠો ઘટે થાય છે અને ભાવ વધે છે. 2025-26 માટે ખાંડના ઉત્પાદન અંગે શરૂઆતના અંદાજો કરતાં અંતિમ ઉપલબ્ધતા ઓછી રહેવાની ચર્ચા થઈ છે. ઉત્પાદન અને ક્લોઝિંગ સ્ટોકમાં ઘટાડો ભાવ પર દબાણ લાવનારા મુખ્ય પરિબળોમાં ગણાવવામાં આવી રહ્યા છે.ઓગસ્ટથી દેશમાં તહેવારોની સિઝન શરૂ થઈ જાય છે. ગણેશ ચતુર્થી, નવરાત્રિ, દશેરા અને દિવાળી નજીક આવતા મીઠાઈ, બેકરી, આઈસ્ક્રીમ, ઠંડા પીણાં અને અન્ય ખાદ્ય ઉદ્યોગોમાં ખાંડની માંગ વધે છે. એટલે કે એક તરફ સ્ટોક પર દબાણ અને બીજી તરફ માંગમાં વધારો, બંને એકસાથે આવે ત્યારે ભાવ ઝડપથી વધી શકે છે.
કારણ 3- જમાખોરી અને સટ્ટાબાજીની પણ ચર્ચા
સરકાર અને બજારના કેટલાક વર્ગોનું માનવું છે કે માત્ર ઉત્પાદનની અછતથી આટલો ઝડપથી ભાવવધારો સમજાવી શકાય તેમ નથી. વેપારીઓ દ્વારા વધુ સ્ટોક રાખવો, ભાવ વધવાની અપેક્ષાએ માલ રોકી રાખવો અને બજારમાં કૃત્રિમ અછતનું વાતાવરણ ઊભું થવું પણ ભાવ વધારવામાં ભૂમિકા ભજવી શકે છે. એટલે હાલ ખાંડના ભાવની કહાની માત્ર ‘શેરડી ઓછી પડી એટલે ખાંડ મોંઘી’ એટલી સરળ નથી.
E20 વિરુદ્ધ સરકારનો તર્ક શું છે?
E20ને ખાંડની મોંઘવારીનું મુખ્ય કારણ ગણાવતી દલીલ સામે સરકાર તરફથી અલગ આંકડા રજૂ કરવામાં આવી રહ્યા છે. સરકારી પક્ષ મુજબ ઇથેનોલ માટે ખાંડ કે શેરડીનો ઉપયોગ અગાઉની સરખામણીમાં ઘટ્યો છે અને ઇથેનોલ ઉત્પાદન માટે મકાઈ સહિતના અનાજનો હિસ્સો વધ્યો છે. તેથી હાલની ખાંડની મોંઘવારીને સીધી રીતે E20 નીતિ સાથે જોડવી યોગ્ય નથી. બીજી તરફ કેટલાક નિષ્ણાતો માને છે કે શેરડીને ઇથેનોલ તરફ વાળવાથી ખાંડના બજારમાં પુરવઠો ચોક્કસપણે અસરગ્રસ્ત થઈ શકે છે. એટલે E20 કારણ છે કે માત્ર એક પરિબળ? આના પર હજી ચર્ચા ચાલુ છે.
ભારતને ખાંડ આયાત કરવાની જરૂર કેમ પડી?
સૌથી ચોંકાવનારો મુદ્દો એ છે કે ખાંડનું વધુમાં વધુ ઉત્પાદન કરતો આપણો દેશ હવે સ્થાનિક બજારને સ્થિર રાખવા માટે આયાતનો વિકલ્પ અપનાવી રહ્યો છે. 20 ઓગસ્ટે કેન્દ્ર સરકારે 31 ઓક્ટોબર સુધી 10 લાખ મેટ્રિક ટન ક્રૂડ ખાંડની ડ્યુટી-ફ્રી આયાતને મંજૂરી આપી હોવાનું અહેવાલોમાં સામે આવ્યું છે. હેતુ સ્થાનિક બજારમાં પુરવઠો વધારીને ભાવ પરનો દબાણ ઘટાડવાનો છે. આ નિર્ણયનો ટાઈમિંગ પણ અગત્યનો છે, કારણ કે હવે તહેવારોની સિઝન નજીક છે અને આગામી મહિનાઓમાં ખાંડની માંગ વધુ રહેવાની શક્યતા છે.
સરકાર હવે શું કરી રહી છે?
ભાવને કાબુમાં લેવા માટે સરકાર માત્ર આયાત પર નિર્ભર નથી. મોટા જથ્થાબંધ ખરીદદારો કેટલો સ્ટોક રાખી શકે તેના પર પણ નિયંત્રણ લાવવાની તૈયારી છે. 1 સપ્ટેમ્બરથી 30 નવેમ્બર 2026 દરમિયાન 10 મેટ્રિક ટનથી વધુ માસિક વપરાશ ધરાવતા જથ્થાબંધ ખરીદદારોને મહત્તમ 15 દિવસની જરૂરિયાત જેટલો જ સ્ટોક રાખવાની મંજૂરી આપવાની જોગવાઈ કરવામાં આવી રહી છે. તેનો હેતુ બજારમાં જમાખોરી રોકવાનો છે. સરકારનો પ્રયાસ સ્પષ્ટ છે, તહેવારો પહેલાં ખાંડની કૃત્રિમ અછત ઊભી ન થાય અને ભાવ હવે વધવા ન જોઈએ.ખાંડ ₹70 પ્રતિ કિલો સુધી કેમ પહોંચી રહી છે?
હાલના ભાવવધારાને એક સરળ ગણિતથી સમજી શકાય:
ઉત્પાદન/સ્ટોક પર દબાણ + તહેવારોની વધતી માંગ + બજારમાં જમાખોરીની શક્યતા + ઇથેનોલને લઈને પુરવઠાની ચર્ચા = ખાંડના ભાવમાં તેજી
જોકે દરેક શહેરમાં ભાવ એકસરખા નથી. રાજ્ય, ગુણવત્તા, હોલસેલ-રિટેલ માર્જિન અને સ્થાનિક પુરવઠા પ્રમાણે ભાવમાં તફાવત જોવા મળે છે. કેટલાક બજારોમાં ખાંડ ₹60થી ઉપર પહોંચી છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ₹65-70 સુધીના ભાવના અહેવાલો પણ છે.
ભાવ ક્યારે ઘટશે?
સરકાર દ્વારા આયાત, સ્ટોક મર્યાદા અને સ્થાનિક પુરવઠો વધારવા જેવા પગલાં લેવામાં આવી રહ્યા છે. બીજી તરફ નવી શેરડીની પિલાણ સિઝન શરૂ થતાં પુરવઠામાં સુધારો થવાની પણ અપેક્ષા છે. જો બજારમાં જમાખોરી પર નિયંત્રણ આવે અને તહેવારો પછી માંગ સામાન્ય થાય તો ભાવ પરનો દબાણ ઘટી શકે છે. પરંતુ આ સમગ્ર ઘટનાએ એક મોટો સવાલ જરૂર ઊભો કર્યો છે, પેટ્રોલમાં 20% ઇથેનોલ ભેળવીને ભારત આયાતી ક્રૂડ ઓઈલ પરની નિર્ભરતા ઘટાડવા માગે છે, પરંતુ જો એ જ નીતિ ખાદ્ય ચીજોના ભાવને અસર કરે તો ‘ફૂડ વર્સિસ ફ્યુઅલ’નું સંતુલન કેવી રીતે જાળવવું?
આ સવાલનો જવાબ માત્ર ખાંડના આજના ભાવમાં નથી. તેનો જવાબ આગામી વર્ષોમાં ભારતની ખેતી, ઇથેનોલ અને ફૂડ સિક્યુરિટી ત્રણેયની નીતિમાં છુપાયેલો છે.
