
અજિત અગરકરની આગેવાની વાળી ભારતીય પુરુષ પસંદગી સમિતિએ તાજેતરમાં વેસ્ટઇન્ડીઝ સામે વનડે અને T20 શ્રેણી માટે ટીમ પસંદ કરી. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે અગરકરનો કાર્યકાળ વધારવામાં આવશે નહીં, આ નિર્ણય અગરકરનો છે અને તેમણે બોર્ડને પોતાના નિર્ણયથી વાકેફ કરી દીધા છે. આ દરમિયાન સમાચાર છે કે પાર્થિવ પટેલ નવા ચીફ સિલેક્ટર બનવાની રેસમાં સૌથી આગળ છે.
તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા BCCI ની સમીક્ષા બેઠક યોજાઈ હતી, તેમાં ગૌતમ ગંભીર, શુભમન ગિલ, શ્રેયસ અય્યર, VVS લક્ષ્મણ સામેલ થયા પરંતુ અજિત અગરકર આવ્યો નહીં, તે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પણ જોડાયો નહીં. આ બાબતે ઘણા સવાલો ઊભા કરી દીધા, કારણ કે આ પહેલા જ સમાચાર આવી ગયા હતા કે કદાચ અગરકર ચીફ સિલેક્ટરના પદ પર રહેશે નહીં.
સૂત્રએ કહ્યું, બધા ત્યાં હતા, એવું અવારનવાર નથી બનતું કે ભારતીય ક્રિકેટમાં તમામ પ્રમુખો એક છત નીચે હોય. હેડ કોચ દિલ્હીથી આવ્યા, લક્ષ્મણ, ગિલ અને અય્યર પણ આવ્યા, મિથુન મન્હાસ પણ આવ્યા. તો એ હેરાનીજનક હતું કે જરૂરી બેઠકમાં સીનિયર સિલેક્શન કમિટીના ચેરમેન આવ્યા નહીં.
રિપોર્ટ અનુસાર પૂર્વ ભારતીય ક્રિકેટર પાર્થિવ પટેલ નવા ચીફ સિલેક્ટર બનવાની રેસમાં સૌથી આગળ છે. 41 વર્ષીય પટેલે ભારત માટે 25 ટેસ્ટ, 38 વનડે અને 2 T20 ઇન્ટરનેશનલ મેચ રમી છે. તેમણે 38 ટેસ્ટ ઇનિંગ્સમાં 934, 34 વનડે ઇનિંગ્સમાં 736 અને 2 T20 ઇનિંગ્સમાં 36 રન બનાવ્યા. તેમણે ભારત માટે 2018 માં છેલ્લી મેચ રમી હતી.
તમને જણાવી દઈએ કે અજિત અગરકર જુલાઈ, 2023 માં ચીફ સિલેક્ટર બન્યા હતા, તેમનો કાર્યકાળ ઓક્ટોબર, 2026 સુધી છે. જો તેમનો કાર્યકાળ વધારવામાં નહીં આવે તો પછી પાર્થિવ પટેલ નવા ચીફ સિલેક્ટર બની શકે છે, જોકે નિમણૂક પ્રક્રિયામાં થોડો સમય લાગી શકે છે.
પાર્થિવની સોશિયલ મીડિયા પોસ્ટ બાદ અટકળો તેજ બની
આ દરમિયાન, એક આશ્ચર્યજનક બાબત સામે આવી છે કે મુખ્ય પસંદગીકાર પદના દાવેદાર ગણાતા પાર્થિવ પટેલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે. આ પોસ્ટ દ્વારા તેઓ કોઈક બાબતનો સંકેત આપી રહ્યા હોય તેવું જણાય છે, જેનાથી અટકળોનો દોર વધુ તેજ બન્યો છે. જોકે એવી ચર્ચા ચાલી રહી છે કે પાર્થિવ નવા મુખ્ય પસંદગીકાર બનશે, પરંતુ તેમની પોસ્ટ પાછળનો ચોક્કસ ઈરાદો હજુ સ્પષ્ટ નથી; તેમ છતાં, આ અંગે ચર્ચાઓ ચોક્કસપણે શરૂ થઈ ગઈ છે.
