
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પરિણામોના લગભગ એક મહિનાના લાંબા ઈન્તઝાર બાદ, આખરે મહાનગરપાલિકાઓના નવા પદાધિકારીઓની વરણીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ગત 26 મેના રોજ પ્રથમ તબક્કામાં 8 મનપામાં પદાધિકારીઓની જાહેરાત કરાયા બાદ, આજે બીજા તબક્કામાં વડોદરા, રાજકોટ, આણંદ, સુરેન્દ્રનગર અને ભાવનગર મહાનગરપાલિકાના હોદ્દેદારોના નામ સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યા છે. ભાજપ દ્વારા જ્ઞાતિ સમીકરણો અને વહીવટી કુશળતાને ધ્યાનમાં રાખીને તમામ જિલ્લાઓમાં મેન્ડેટ જાહેર કરવામાં આવ્યા છે.
વડોદરા મહાનગરપાલિકા: ગીતાબેન મકવાણા બન્યા નવા મેયર
મેયર: ગીતાબેન મકવાણા
ડેપ્યુટી મેયર: આદિત્ય પટેલ
સ્થાયી સમિતિ (સ્ટેન્ડિંગ) ચેરમેન: વર્ષાબેન વ્યાસ
શાસક પક્ષના નેતા: શ્વેતા માછી
દંડક: વિજય ચૌહાણ
સંસ્કારી નગરી વડોદરા મહાનગરપાલિકામાં આ વખતે મહિલા નેતૃત્વ પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે. વડોદરાના નવા મેયર તરીકે ગીતાબેન મકવાણાના નામની જાહેરાત કરવામાં આવી છે, જ્યારે ડેપ્યુટી મેયર તરીકે આદિત્ય પટેલની વરણી કરાઈ છે. આ ઉપરાંત, મનપાની સૌથી મહત્વની ગણાતી સ્થાયી સમિતિ (સ્ટેન્ડિંગ) ના ચેરમેન પદે વર્ષાબેન વ્યાસ, શાસક પક્ષના નેતા તરીકે શ્વેતા માછી અને દંડક તરીકે વિજય ચૌહાણ આગામી અઢી વર્ષ માટે વડોદરા શહેરના વિકાસની કમાન સંભાળશે.
રાજકોટ મહાનગરપાલિકા: ડૉ. નેહલ શુક્લા સંભાળશે સુકાન
મેયર: ડૉ. નેહલ શુક્લા
ડેપ્યુટી મેયર: દક્ષા વસાણી
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન: પરેશ પીપળીયા
શાસક પક્ષના નેતા: હિરેન કે. ખીમાણીયા
દંડક: સંજયસિંહ રાણા
રંગીલા રાજકોટ મહાનગરપાલિકામાં પક્ષ દ્વારા શિક્ષિત અને સક્ષમ ચહેરાને સુકાન સોંપવામાં આવ્યું છે. રાજકોટના નવા મેયર તરીકે ડૉ. નેહલ શુક્લાના નામ પર મહોર મારવામાં આવી છે, જ્યારે ડેપ્યુટી મેયર તરીકે દક્ષા વસાણીની જાહેરાત કરાઈ છે. આ સાથે જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે પરેશ પીપળીયા, શાસક પક્ષના નેતા તરીકે હિરેન કે. ખીમાણીયા અને દંડક તરીકે સંજયસિંહ રાણાની વરણી થતાં રાજકોટ મનપાને નવી ટીમ મળી ગઈ છે.
આણંદ-કરમસદ મહાનગરપાલિકા: દીપિકાબેન પટેલ બન્યા પ્રથમ મેયર
મેયર: દીપિકાબેન પટેલ
ડેપ્યુટી મેયર: કમલેશ ડાભી
સ્ટેન્ડિંગ કમિટી પ્રમુખ: મયુર સુથાર
પક્ષના નેતા: અમિત પુરોહિત
દંડક: હીરલ શાહ
આણંદ જિલ્લામાં આ વખતની વરણી ઐતિહાસિક બની રહી છે, કારણ કે નવી બનેલી આણંદ-કરમસદ સંયુક્ત મહાનગરપાલિકાના ઇતિહાસના પ્રથમ મેયર તરીકે દીપિકાબેન પટેલની સર્વસંમતિથી નિમણૂક કરવામાં આવી છે. જિલ્લા ભાજપ પ્રમુખ સંજય પટેલે જાહેર કરેલા મેન્ડેટ અનુસાર, ડેપ્યુટી મેયર તરીકે કમલેશ ડાભી, સ્ટેન્ડિંગ કમિટીના પ્રમુખ પદે મયુર સુથાર, પક્ષના નેતા તરીકે અમિત પુરોહિત અને દંડક તરીકે હીરલ શાહ આ નવી મહાનગરપાલિકાનો કાર્યભાર સંભાળશે.
સુરેન્દ્રનગર મનપાના પદાધિકારીઓની યાદી જાહેર
મેયર: રાકેશભાઈ રાઠોડ
ડેપ્યુટી મેયર: સ્મિતાબેન રાવલ
કારોબારી (સ્ટેન્ડિંગ) ચેરમેન: નીખિલભાઈ ચાંપાનેરી
શાસક પક્ષના નેતા: પિન્ટુબેન અસાણીયા
દંડક: સ્વાતિબેન માંડલિયા
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓની પણ સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. સુરેન્દ્રનગર મનપાના નવા મેયર તરીકે રાકેશભાઈ રાઠોડની નિયુક્તિ કરવામાં આવી છે અને ડેપ્યુટી મેયર તરીકે સ્મિતાબેન રાવલના નામની જાહેરાત કરાઈ છે. આ સિવાય, કારોબારી (સ્ટેન્ડિંગ) ચેરમેન તરીકે નીખિલભાઈ ચાંપાનેરી, શાસક પક્ષના નેતા તરીકે પિન્ટુબેન અસાણીયા અને દંડક તરીકે સ્વાતિબેન માંડલિયા શહેરના વહીવટને વેગ આપશે.
ભાવનગર મનપામાં પણ નવા પદાધિકારીઓના નામની જાહેરાત
મેયર: ઉષાબેન તલરેજા
ડેપ્યુટી મેયર: અશોક બારૈયા
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન: કિશન મહેતા
શાસક પક્ષના નેતા: લાલભા મનુભા વાળા
દંડક: રિંકુબેન માંગુકિયા
ભાવનગર મહાનગરપાલિકામાં પણ નવા હોદ્દેદારોના નામ જાહેર થતાં જ તમામ અટકળોનો અંત આવ્યો છે. ભાવનગરના નવા મેયર તરીકે ઉષાબેન તલરેજાની પસંદગી કરવામાં આવી છે, જ્યારે ડેપ્યુટી મેયર પદે અશોક બારૈયાની વરણી થઈ છે. આ ઉપરાંત, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે કિશન મહેતા, શાસક પક્ષના નેતા તરીકે લાલભા મનુભા વાળા અને દંડક તરીકે રિંકુબેન માંગુકિયાના નામોની જાહેરાત સાથે જ નવી ટીમનું ગઠન પૂર્ણ થયું છે.
https://www.instagram.com/timenewsguj
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: http://અંતે સુરતના મેયર તરીકે માયાબેન માવાણીના નામ પર મહોર, વાપીને મળ્યા પ્રથમ મેયર
