Site icon Time News

આટલા પ્રાણીઓ ક્યાથી આવે છે? સુપ્રીમ કોર્ટે વનતારાની પ્રવૃતિઓની તપાસ માટે SITની રચના કરી

સુપ્રીમ કોર્ટે જામનગરમાં રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત વનતારા (ગ્રીન્સ ઝુઓલોજિકલ રેસક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટર)ની કામગીરીની તપાસ કરવા માટે એક ખાસ તપાસ ટીમ (SIT)ની રચના કરી છે.

સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ જે.ચેલમેશ્વરના નેતૃત્ત્વ હેઠળની SITને વનતારાની કામગીરીની તપાસ કરવા ઉપરાંત, ભારત અને વિદેશથી પ્રાણીઓ, ખાસ કરીને હાથીઓને લાવવામાં વન્યજીવ સંરક્ષણ કાયદા અને અન્ય સંબંધિત કાયદાઓની જોગવાઇઓનું યોગ્ય રીતે પાલન કરવામાં આવ્યું હતું કે કેમ તેની તપાસ કરવાનું કહેવામાં આવ્યું છે. જસ્ટિસ પંકજ મિથલ અને પ્રસન્ના બી.વરાલેની બેન્ચે એક જનહિત અરજી પર વિચારણા કરતી વખતે આ આદેશ આપ્યો હતો.

એડવોકેટ સી.આર જયા સુકિન દ્વારા દાખલ કરવામાં આવેલી PILમાં કેન્દ્ર સરકારની કામગીરી પર વ્યાપક આક્ષેપો કરવામાં આવ્યા છે. બેન્ચે જસ્ટિસ ચેલમેશ્વરના નેતૃત્વ હેઠળ રચાયેલી આ SITમાં ઉત્તરાખંડ અને તેલંગાણા હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રાઘવેન્દ્ર ચૌહાણ, મુંબઈ પોલીસ કમિશનર હેમંત નાગરાલે અને કસ્ટમ્સના એડિશનલ કમિશનર અનીશ ગુપ્તાને સભ્ય બનાવ્યા છે. બેન્ચે કહ્યું કે અમે દોષરહિત પ્રામાણિકતા અને ઉચ્ચ પ્રતિષ્ઠા ધરાવતા આદરણીય વ્યક્તિઓની વિશેષ તપાસ ટીમની રચનાનો નિર્દેશ આપવાનું યોગ્ય માનીએ છીએ, જેમની પાસે લાંબા સમયથી જાહેર સેવાનો અનુભવ છે.

બીજી તરફ, વનતારાએ સુપ્રીમ કોર્ટના SITની રચના કરવાના નિર્ણય પર ખુશી વ્યક્ત કરી છે. વનતારાએ એક નિવેદન બહાર પાડતા કહ્યું, “અમે માનનીય સુપ્રીમ કોર્ટના આદેશનું ખૂબ જ આદર સાથે સ્વાગત કરીએ છીએ. વનતારા પારદર્શિતા, કરુણા અને કાયદાનું સંપૂર્ણ પાલન કરવા માટે પ્રતિબદ્ધ છે. અમારું મિશન અને ધ્યાન પ્રાણીઓના બચાવ, પુનર્વસન અને સંભાળ પર રહેશે. અમે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમને સંપૂર્ણ સહયોગ આપીશું અને અમારા તમામ પ્રયાસોના કેન્દ્રમાં પ્રાણીઓના કલ્યાણને રાખીને ઈમાનદારીથી અમારું કાર્ય ચાલુ રાખીશું.”

વનતારાએ કહ્યું કે, “અમે વિનંતી કરીએ છીએ કે આ પ્રક્રિયા અટકળો વિના અને અમે જે પ્રાણીઓની સેવા કરીએ છીએ તેમના શ્રેષ્ઠ હિતમાં થવા દેવામાં આવે.”

Exit mobile version