
ઉનાળાની ઋતુ શરૂ થતાં જ બજારમાં વિવિધ પ્રકારના ઋતુફળો જોવા મળવા લાગે છે અને લોકો પણ ગરમીથી રાહત મેળવવા માટે ઠંડક આપતા ફળો તરફ વધુ આકર્ષાય છે. ખાસ કરીને તરબૂચ ઉનાળામાં સૌથી વધુ ખવાતું ફળ માનવામાં આવે છે. ઘણા લોકો રાત્રે ફરવા નીકળે ત્યારે ઠંડુ તરબૂચ ખાવાનું પસંદ કરે છે અથવા તો તરબૂચનું જ્યુસ પીવાનું પણ પસંદ કરે છે. પરંતુ આહારશાસ્ત્રી કિન્નરી શેઠના જણાવ્યા મુજબ રાત્રિના સમયે તરબૂચ ખાવું કે તરબૂચનું શરબત પીવું શરીર માટે લાભદાયક નથી, પરંતુ નુકસાનકારક સાબિત થઈ શકે છે. હાલ બજારમાં મળતા મોટાભાગના તરબૂચ હાઇબ્રિડ હોય છે અને ખરેખર તરબૂચની મૂળ સિઝન એપ્રિલ અને મે મહિનાથી શરૂ થાય છે. આથી હાલના સમયમાં વધારે પ્રમાણમાં તરબૂચ ખાવાથી એસિડિટી, ખાટા ડકાર, પેટમાં ગેસ જેવી સમસ્યાઓ થવાની શક્યતા રહે છે.
વધુમાં જણાવ્યું હતું કે, જો તરબૂચ ખાવું હોય તો તેનો યોગ્ય સમય સાંજે પાંચ વાગ્યા સુધીનો માનવામાં આવે છે. ઘણા લોકો ગરમીમાં રાત્રે ઠંડક મેળવવા માટે તરબૂચ ખાય છે, પરંતુ તે પાચનતંત્ર માટે યોગ્ય નથી અને બીજા દિવસે ખાટા ડકાર અથવા પેટમાં અસ્વસ્થતા અનુભવાઈ શકે છે. જો તરબૂચ ખાવાનું મન થાય તો તેના ઉપર થોડું ચાટ મસાલો નાખીને ખાવું વધુ યોગ્ય ગણાય છે, જેથી પાચન સરળ બને અને ખાટા ડકાર જેવી સમસ્યાઓ ટાળી શકાય. ઉપરાંત એક સાથે વધારે તરબૂચ ખાવું પણ યોગ્ય નથી. નિષ્ણાતો અનુસાર એક વ્યક્તિએ લગભગ 200 થી 300 ગ્રામ જેટલું જ તરબૂચ ખાવું જોઈએ.
આજકાલ વજન ઘટાડવા માટે પણ લોકો તરબૂચનું જ્યુસ પીવાનું ટ્રેન્ડ અનુસરી રહ્યા છે, પરંતુ તરબૂચનું જ્યુસ વજન ઘટાડવામાં ખાસ મદદરૂપ નથી અને વધારે પ્રમાણમાં પીવાથી શરીર પર નકારાત્મક અસર પણ થઈ શકે છે. ખાસ કરીને ડાયાબિટીસ ધરાવતા લોકો માટે તરબૂચનું જ્યુસ પીવું યોગ્ય માનવામાં આવતું નથી. ઘણા લોકો એવું માને છે કે તરબૂચ ખાવાથી બ્લડ સુગરમાં વધારો થતો નથી, પરંતુ વાસ્તવમાં તરબૂચનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઊંચો હોય છે, જેના કારણે બ્લડ સુગર ઝડપથી વધી શકે છે.
તેમ છતાં તરબૂચના કેટલાક ફાયદા પણ છે. તરબૂચ વોટરી ફ્રુટ હોવાથી તેમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે, જે ઉનાળાની કાળઝાળ ગરમીમાં શરીરને હાઇડ્રેશન આપવા માટે મદદરૂપ બને છે. ઉપરાંત તેમાં પ્રાકૃતિક સુગર અને કેટલાક જરૂરી પોષક તત્ત્વો પણ હોય છે, જે શરીરને તાજગી આપે છે. પરંતુ કોઈપણ ફળની જેમ તરબૂચ પણ યોગ્ય સમય અને યોગ્ય પ્રમાણમાં જ ખાવું જોઈએ. જો સાવચેતી રાખીને તેનો ઉપયોગ કરવામાં આવે તો તરબૂચ ઉનાળાની ગરમીમાં શરીરને ઠંડક અને ઊર્જા આપતું ઉત્તમ ફળ બની શકે છે.
https://www.instagram.com/timenewsguj
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: નકલી ઘીનું વધુ એક કારખાનું ઝડપાયું, ફૂડ વિભાગની કામગીરી સામે ઉઠ્યા ગંભીર સવાલો
