Site icon Time News

અમદાવાદમાં આજથી 10 દિવસ પાણી કાપ, જાણી લો કયા કયા વિસ્તારોને થશે પાણીની અસર

નર્મદાની મુખ્ય નહેરમાં રીપેરીંગના કારણે અમદાવાદના સાત ઝોન પૈકી પાંચ ઝોનમાં પાણીનો કાપ રહેશે. કોતરપુર વોટર વર્કસને મળતા દૈનિક 1100 એમએલડી પાણીના જથ્થામાં 50-55 એમએલડી પાણીનો જથ્થો ઓછો આવશે. જેથી અમદાવાદના અનેક વિસ્તારોને ભર ઉનાળે પાણીકાપનો સામનો કરવો પડશે. અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં 10 દિવસ પાણીકાપ રહેવાનો છે. જેથી અમદાવાદના નારણપુરા સહિત 39 વિસ્તારોને આજથી દસ દિવસ ઓછું પાણી મળશે.

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સુન એક્ટિવિટીના ભાગરૂપે મોટી કામગીરી હાથ ધરાઈ છે. નર્મદાની મુખ્ય નહેરુમાં થયેલ નુકસાન કે તૂટેલી નહેરોના ભાગને રીપેર કરવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. તેથી આગામી 10 દિવસ સરદાર સરોવર નર્મદા નિગમ પાણી સપ્લાયમાં વધઘટ કરશે. આ વધઘટના કારણે દસ દિવસ સુધી કોતરપુર વોટર વર્કસ ખાતે 5 થી 10% જેટલો પાણીનો જથ્થો ઓછો આવશે જેની સીધી અસર અમદાવાદના લોકો ઉપર પડશે.

અમદાવાદના કયા કયા ઝોનમા પાણી કાપની અસર જોવા મળશે?
મધ્યઝોન, પશ્ચિમ ઝોન, ઉત્તર ઝોન, પૂર્વ ઝોન તેમજ દક્ષિણ ઝોન

પાણી કાપની અમદાવાદની જનતા ઉપર ઓછી અસર રહે તે માટે બીજી વ્યવસ્થા પણ કરાઈ
આ વિશે માહિતી આપતા એડિશનલ સિટી એન્જિનિયર જગદીશ અસારીએ જણાવ્યું કે, અમદાવાદના સાત ઝોનમાંથી પાંચ એટલે કે પશ્ચિમ મધ્ય ઉત્તર પૂર્વ અને દક્ષિણ ઝોનમાં સૌથી વધુ અસર વર્તાય તે પ્રકારની શક્યતા છે. આમ, અમદાવાદની કુલ 60થી 65ટકા વિસ્તારોમાં પાણીનો કાપ રહેશે. સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા મુખ્ય નહેરોમાં પ્રિમોન્સુન કામગીરીના ભાગરૂપે આરસીસી લાઇનિંગમાં થયેલા નુકસાનની સામે રીપેરીંગની કામગીરી કરવામાં આવશે. જોકે પાણી કાપની અમદાવાદની જનતા ઉપર ઓછી અસર રહે તે માટે અમદાવાદ મહાનગરપાલિકાએ તૈયારી પણ કરી છે. મનપાના વિવિધ વોર્ડમાં આવેલા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન ઉપર બનાવેલા બોરવેલનો મહત્તમ ઉપયોગ કરવામાં આવશે અને લાંબા સમય સુધી તેને ચાલુ રાખવામાં આવશે, જેમાંથી બાકી રહેલા પાણીની ઘટ ઓછી કરવામાં આવશે.

Exit mobile version