
ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ માટે ફિટનેસ ટેસ્ટ પાસ કરવો હવે પહેલા કરતા વધુ મુશ્કેલ બની ગયો છે. આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ પ્રવાસ પર ટીમના ખરાબ પ્રદર્શન બાદ BCCIએ ફિટનેસ પેરામીટર્સને વધુ પડકારજનક બનાવવાનો નિર્ણય કર્યો છે.
ભારતીય ખેલાડીઓને પોતાની ફિટનેસ સાબિત કરવા માટે બે પ્રકારના ટેસ્ટમાંથી પસાર થવું પડે છે. જેમાં એક બ્રોન્કો ટેસ્ટ અને બીજી 2 કિલોમીટરની દોડ છે. બ્રોન્કો ટેસ્ટ માટે પહેલા 6 મિનિટનો સમય મળતો હતો. હવે તેને 5 મિનિટ 15 સેકન્ડથી લઈને 5 મિનિટ 20 સેકન્ડમાં પૂરો કરવો પડશે. તેના તરત જ બાદ 2 કિલોમીટરની દોડ 9થી 10 મિનિટમાં પૂરી કરવી પડશે.
હવે ફિટનેસ ટેસ્ટ પાસ કરવો મુશ્કેલ કેમ
બ્રોન્કો ટેસ્ટમાં પાંચ સેટ હોય છે. દરેક સેટમાં ખેલાડીઓએ 20 મીટર અપ-ડાઉન, 40 મીટર અપ-ડાઉન અને 60 મીટર અપ-ડાઉનની દોડ લગાવવી પડે છે. એટલે કે, એક સેટમાં કુલ 240 મીટર દોડવું પડે છે. આખા ટેસ્ટમાં આવા પાંચ સેટ લગાવવાના હોય છે. સેટની વચ્ચે કોઈ બ્રેક હોતો નથી. પહેલા આખા ટેસ્ટ માટે 6 મિનિટનો સમય હતો. હવે તેમાં 40 સેકન્ડ સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે.
બ્રોન્કો ટેસ્ટ ઉપરાંત ખેલાડીઓએ 2 કિલોમીટરની રનિંગ પણ કરવી પડે છે. પહેલા આ એક સ્ટેન્ડ અલોન ટેસ્ટ હતો. એટલે કે, તેને બ્રોન્કો સાથે લેવામાં આવતો ન હતો. જૂના નિયમ મુજબ ફાસ્ટ બોલરોએ 8 મિનિટ 15 સેકન્ડમાં 2 કિલોમીટર દોડવું પડતું હતું. બાકીના ખેલાડીઓ માટે 8 મિનિટ 30 સેકન્ડનો સમય નિર્ધારિત હતો.
હવે 2 કિલોમીટરની રનિંગ બ્રોન્કો ટેસ્ટ પછી તરત જ કરવી પડશે. સમયમાં થોડી છૂટછાટ આપવામાં આવી છે. ખેલાડીઓ 2 કિલોમીટરની દોડ 9થી 10 મિનિટમાં પૂરી કરી શકે છે. બંને ટેસ્ટ બેક ટુ બેક હશે, તેથી ખેલાડીઓ માટે આ પહેલા કરતા વધુ પડકારજનક છે.
બ્રોન્કો ટેસ્ટ કેમ, અનફિટ હર્ષિત-નીતિશને ક્લિયરન્સ મળી હતી
હાલમાં હર્ષિતનું વજન 94 કિલો છે અને આવતા અઠવાડિયા સુધીમાં તેને ફિટ જાહેર કરી શકાય છે.
BCCI સૂત્રો અનુસાર, છેલ્લા એક વર્ષમાં ફિટનેસ ટેસ્ટના ધોરણોનું કડકપણે પાલન કરવામાં આવ્યું ન હતું.
કેટલાક સિનિયર ખેલાડીઓને ફિટનેસ ટેસ્ટમાં પાસ કરાવવા માટે પ્રમાણમાં સરળ લક્ષ્યો આપવામાં આવ્યા હતા.
ટીમ મેનેજમેન્ટની માંગ પર CoE સ્ટાફે હર્ષિત રાણા અને નીતિશ કુમાર રેડ્ડીને સંપૂર્ણપણે ફિટ ન હોવા છતાં ક્લિયરન્સ આપી દીધી હતી.
ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન હર્ષિત રાણાને વધુ વજનને કારણે ટીમમાંથી પાછા મોકલવામાં આવ્યા હતા.
ટીમ મેનેજમેન્ટ અનુસાર તે સમયે હર્ષિતનું વજન 97 કિલો હતું.
હવે CoEએ તેમના માટે વજન 96 કિલોથી ઓછું રાખવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.
વારંવારની ઈજાઓ પર ફિઝિયો પાસેથી જવાબ
ખેલાડીઓના સતત ઈજાગ્રસ્ત થવા અને ઈંગ્લેન્ડના અનુકૂળ વાતાવરણમાં પણ સ્નાયુઓમાં ખેંચાણ એટલે કે ક્રેમ્પ્સની ફરિયાદો બાદ BCCI સેક્રેટરી દેવજીત સાકિયા અને ટીમ મેનેજમેન્ટે ટીમના ફિઝિયો કમલેશ જૈન પાસેથી જવાબ માગ્યો છે.
તેમને સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે કોઈપણ ખેલાડીના કદ કે સ્ટાર સ્ટેટસની પરવા કર્યા વિના, જો ફિટનેસમાં ઘટાડો જોવા મળે તો તેની તાત્કાલિક જાણ કરવી. મેનેજમેન્ટનું માનવું છે કે ઘણા ખેલાડીઓની મેદાન પરની ગતિશીલતા ઘટી છે અને લાંબા સમય સુધી બેટિંગ દરમિયાન સિનિયર બેટર્સને દોડીને રન લેવામાં મુશ્કેલી પડી રહી છે.
બુમરાહ શ્રીલંકા ટેસ્ટ સિરીઝમાંથી બહાર
સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE) અને ટીમ મેનેજમેન્ટ વચ્ચે તાલમેલનો અભાવ પણ સામે આવ્યો છે. બુમરાહને 15 ઓગસ્ટથી શ્રીલંકા સામે શરૂ થનારી ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ સુધી ફિટ કરવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું, પરંતુ CoE તેમ કરી શક્યું નહીં.
જ્યારે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ધરાવતા ખેલાડીઓને નવા ફિટનેસ પેરામીટર્સની જાણકારી પણ મોડી મળી. મોહમ્મદ સિરાજ જ્યારે શ્રીલંકા પ્રવાસ પહેલા CoE પહોંચ્યા ત્યારે અચાનક બ્રોન્કો અને 2K ટેસ્ટ કરાવવામાં આવતા તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. હવે નોન-ટેસ્ટ ખેલાડીઓને પણ આ જ નવા માપદંડો અનુસાર તૈયારી કરવા માટે કહેવામાં આવ્યું છે.
