Site icon Time News

રાહુલ ગાંધીના કાફલાની ગાડીઓને નડ્યો અકસ્માત,અનેક લોકો ઘાયલ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના કાફલાના વાહનો પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર સુલતાનપુર નજીક અકસ્માતનો ભોગ બન્યા. રાહુલ સોમવારે (26 ઓક્ટોબર) લખનૌથી સુલતાનપુર જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમના કાફલાની ચાર ગાડીઓ અને એમ્બ્યુલન્સ એકબીજા સાથે અથડાઈ ગઈ. મહત્વની વાત એ છે કે રાહુલ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેઓ કોર્ટ પહોંચી ગયા છે. પરંતુ તેમની સાથેના કેટલાક કાર્યકરોને ઈજા પહોંચી છે.

વાસ્તવમાં રાહુલ ગાંધી માનહાનિ કેસની સુનાવણી માટે લખનૌથી સુલતાનપુર જવા રવાના થયા હતા. તેમને કોર્ટમાં હાજર થવાનું હતું. તેમનો કાફલો સુલતાનપુરના હાલિયાપુર નજીક એક્સપ્રેસ વેના 89.5 માઈલસ્ટોન પર પહોંચ્યો ત્યારે જ અચાનક બ્રેક વાગવાને કારણે વાહનો એકબીજા સાથે અથડાઈ ગયા હતા. આ અકસ્માતમાં રાહુલ સાથે મુસાફરી કરી રહેલા લોકોને ઈજા પહોંચી છે. રાહુલ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેઓ સમયસર કોર્ટ પહોંચી પણ ગયા હતા.

રાહુલ ગાંધીના સુલતાનપુર પહોંચ્યા બાદ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના સમર્થકોએ ફૂલ-હાર પહેરાવીને સ્વાગત કર્યું હતું. આ સાથે જ રાહુલ ગાંધીના નામના નારા પણ લગાવ્યા હતા.

રાહુલ ગાંધીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિશે કથિત રીતે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી, જેના કારણે 2018 માં તેમની સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ મામલે દલીલો 13 ઓક્ટોબરે પૂર્ણ થઈ ગઈ હતી, પરંતુ ચુકાદો આવવાનો હજુ બાકી છે. વાંધાજનક ટિપ્પણી કરવા બદલ રાહુલ વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

Exit mobile version