
અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે, આ પ્રથમ વરસાદે જ રાજ્યમાં મોટા ભાગના શહેરોના પ્રી-મૉન્સૂન પ્લાનિંગ અને કામગીરીની પોલ ખોલી દીધી છે. હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે ગઈકાલે રાત્રે શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વ્યસ્ત જીવરાજપાર્ક ચાર રસ્તા પાસે માત્ર થોડાક જ અંતરમાં એકસાથે બે વિશાળ ભુવા પડવાની ગંભીર ઘટના સામે આવી છે, જેને કારણે મોટો ટ્રાફિક જામ સર્જાયો હતો.
ચોમાસાની શરૂઆતમાં જ વાસણા વિસ્તાર બાદ હવે આ જ માર્ગ પર પ્રી-મોન્સૂન કામગીરી અને રોડ કોન્ટ્રાક્ટરોના નિકૃષ્ટ કક્ષાના કામને લીધે સર્જાયેલી આ પરિસ્થિતિને કારણે હજારો સ્થાનિક રહીશો અને વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે, જે તંત્રના કહેવાતા વિકાસ અને ભ્રષ્ટાચારની પોલ ખોલે છે.
સ્થાનિક નાગરિકોના જણાવ્યા અનુસાર, આ જ જીવરાજપાર્ક ચાર રસ્તા પર ગત વર્ષે પણ ચોમાસા દરમિયાન બરાબર આ જ જગ્યાએ મોટો ભુવો પડ્યો હતો. તંત્ર દ્વારા તેને યોગ્ય રીતે રિપેર કરવાને બદલે માત્ર થીગડા મારવામાં આવ્યા હોવાથી, નબળી ગુણવત્તાવાળી ડ્રેનેજ લાઈન ફરી બેસી ગઈ છે અને આ વર્ષે એકને બદલે બે ભુવા પડ્યા છે. આ ઘટના ભ્રષ્ટાચારનો ઉત્તમ નમૂનો પુરો પાડે છે.મુખ્ય ચાર રસ્તા પર જ રસ્તાઓ ધોવાઈ જતાં અને ઊંડા ખાડા પડી જતાં પિક-અવર્સ દરમિયાન આસપાસના વિસ્તારોમાં વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. સ્કૂલ બસો અને એમ્બ્યુલન્સ જેવા ઈમરજન્સી વાહનો પણ આ ટ્રાફિક સમસ્યામાં ફસાયા છે. સ્થાનિક વેપારીઓ અને રહીશોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે સ્માર્ટ સિટીના નામે ટેક્સ વસૂલતું તંત્ર જનતાના જીવને જોખમમાં મૂકી રહ્યું છે. નાગરિકોએ માગ કરી છે કે માત્ર કાગળ પર પ્રી-મોન્સૂન એક્શન પ્લાન બનાવતી એજન્સીઓ અને જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે કડક કાનૂની પગલાં લેવામાં આવે અને યુદ્ધના ધોરણે આ ભુવાઓનું કાયમી સમારકામ કરવામાં આવે.
