Site icon Time News

દર્શન કરીને પરત ફરતા ગુજરાત-મહારાષ્ટ્રના પરિવારોને કાળ નડ્યો:રામદેવરાથી આવતા બનાસકાંઠાના 3નાં મોત

રાજસ્થાનના માર્ગો પર રવિવારનો દિવસ લોહિયાળ સાબિત થયો છે. રાજ્યમાં અલગ-અલગ બે સ્થળોએ સર્જાયેલા ભયાનક માર્ગ અકસ્માતોમાં બાળકો સહિત કુલ 12 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યાં છે, જ્યારે 22થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. એક તરફ કોટા-ઉદયપુર હાઈવે પર એક જ પરિવારના 9 સભ્યો કાળનો કોળિયો બની ગયા, તો બીજી તરફ જોધપુરમાં દર્શન કરીને પરત ફરી રહેલા ગુજરાતી પરિવારને કાળમુખો અકસ્માત નડ્યો છે.

પ્રાથમિક માહિતી મુજબ, અકસ્માતનો ભોગ બનેલા લોકો ગુજરાતના બનાસકાંઠાના રહેવાસી એક જ પરિવારના સભ્યો હતા. તેઓ રામદેવરામાં દર્શન કર્યા બાદ ગુજરાત પરત ફરી રહ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે મુસાફરી શરૂ કર્યાના થોડા જ સમયમાં તેમની ગાડીની ટેમ્પો સાથે ટક્કર થઈ ગઈ હતી. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, અકસ્માતમાં ઘાયલ થયેલા એક મુસાફર અનિલે જણાવ્યું કે પરિવારના અંદાજે 15થી 20 લોકો રામદેવરા દર્શન માટે આવ્યા હતા. તેઓ સવારે દર્શન કર્યા બાદ ગુજરાત પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં તેમની ગાડીને અકસ્માત નડ્યો હતો.

મથુરાદાસ માથુર હોસ્પિટલના અધિક્ષક વિકાસ રાજપુરોહિતે જણાવ્યું હતું કે હોસ્પિટલને સાંજે અંદાજે 7 વાગ્યે અકસ્માતની જાણ થઈ હતી. ત્યારબાદ ઘાયલોની સારવાર માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી. ચાર એમ્બ્યુલન્સની મદદથી અંદાજે 14થી 15 લોકોને હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. જેમાં ત્રણ મહિલાઓ અને ચાર બાળકોનો સમાવેશ થાય છે.

રાજપુરોહિતના જણાવ્યા મુજબ, ઘણા ઘાયલોને ફ્રેક્ચર અને કરોડરજ્જુના હાડકામાં ઈજાઓ પહોંચી છે. એક વ્યક્તિને હોસ્પિટલ પહોંચતા જ મૃત જાહેર કરવામાં આવ્યો હતો. અન્ય ઘાયલોની સારવાર ચાલુ છે અને હોસ્પિટલની મેડિકલ ટીમો ઘાયલોને સારવાર પૂરી પાડી રહી છે.

કોટા-ઉદયપુર નેશનલ હાઈવે પર પૂરઝડપે આવતી ક્રૂઝર રસ્તાની બાજુમાં ઊભેલા ટ્રકમાં પાછળથી ઘૂસી ગઈ. અકસ્માતમાં ક્રૂઝરમાં સવાર એક પરિવારના 9 લોકોનાં મોત થયા, જેમાં બાળકો પણ સામેલ હતા. ટ્રક ડ્રાઈવર સહિત 7 લોકો ઘાયલ થયા છે, જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અકસ્માત નાતા પોલીસ સ્ટેશન વિસ્તારના શંભુપુરા ગામ નજીક રાત્રે 1 વાગ્યે થયો હતો.

અકસ્માતની જાણ થતાં સિટી એસપી તેજસ્વની ગૌતમ ઘટનાસ્થળે પહોંચ્યાં. તેમણે વાહનમાં ફસાયેલા લોકોને બહાર કઢાવ્યા. ઘાયલોને એમ્બ્યુલન્સ દ્વારા ન્યૂ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા.

એસપી તેજસ્વની ગૌતમે જણાવ્યું કે ક્રૂઝરમાં સવાર તમામ લોકો ધુલે (મહારાષ્ટ્ર)ના રહેવાસી છે, જેઓ ખાટુશ્યામજીનાં દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ સંભવતઃ ક્રૂઝર ડ્રાઈવરને ઝોકું આવી જતાં અકસ્માત થયો હતો.

Exit mobile version