ગુજરાતમાં આગામી દિવસોમાં અનેક જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા

ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદની શક્યતા વધી છે. જેના કારણે રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવવાની શક્યતા છે.
ઉત્તર પાકિસ્તાન અને જમ્મુ વિસ્તારમાં સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના હવામાનમાં નોંધપાત્ર બદલાવ જોવા મળી રહ્યો છે. સાથે જ રાજસ્થાન ઉપર સર્જાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન પણ આ બદલાવ માટે જવાબદાર માનવામાં આવે છે.
હવામાન વિભાગ મુજબ 1 એપ્રિલે બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. કેટલાક વિસ્તારોમાં પવન સાથે ઝાપટાં પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
અમરેલી, ભાવનગર અને કચ્છમાં પણ છૂટાછવાયા સ્થળોએ વરસાદની શક્યતા છે. ખાસ કરીને 3 એપ્રિલે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા અને છોટા ઉદેપુર જિલ્લામાં વરસાદી માહોલ વધુ જોવા મળી શકે છે.
4 અને 5 એપ્રિલ દરમિયાન પણ ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ ચાલુ રહે તેવી શક્યતા છે. આ દરમિયાન આકાશમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને ભેજનું પ્રમાણ વધશે.
હાલમાં તાપમાનમાં મોટો ફેરફાર નહીં જોવા મળે. પરંતુ આગામી દિવસોમાં 2 થી 3 ડિગ્રી સુધી ઘટાડો થઈ શકે છે. જેના કારણે ઉનાળાની ગરમીમાં લોકોને થોડી રાહત મળશે. જ્યારે લઘુત્તમ તાપમાન યથાવત રહેવાની શક્યતા છે.