
ભરૂચના સ્વામિનારાયણ મંદિરને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા ચકચાર મચી ગઇ છે. પોલીસ કંટ્રોલ રૂમમાં અજાણ્યા શખ્સે કોલ કરી ધમકી આપી હતી. ધમકીના પગલે સ્વામિનારાયણ મંદિર ખાતે બોમ્બ સ્કવોર્ડ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મંદિર ખાતે પોલીસનાં ધાડે ધાડા ઉતારી દેવાયા હતા. ડોગ સ્કવોર્ડ સહિતની ટીમ સ્વામિનારાયણ મંદિર ખાતે દોડી આવી હતી.
જો કે પોલીસ દ્વારા સધન ચેકિંગ બાદ કંઇ પણ શંકાસ્પદ મળી આવ્યું નહોતું. કોલ કરી ધમકી આપનાર આરોપી તોસીફ આદમ પટેલની પણ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. પારિવારિક વિવાદમાં આરોપીએ ધમકી આપી હોવાની કબુલાત કરી હતી. પરિવારજનોને ફસાવી દેવા માટે સમગ્ર કાવતરું ધડ્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત-પાકિસ્તાન વચ્ચે હાલ તણાવ ચાલી રહ્યો છે. જેના કારણે સમગ્ર ગુજરાત હાલ તો હાઇએલર્ટ પર છે. તેમાં પણ ભરૂચ દરિયા કિનારા નજીકનો જિલ્લો હોવાના કારણે પોલીસ વધારે સતર્ક છે. દરમિયાન યુવકે ટિખલી કરતા પોલીસ દોડતી થઇ હતી. ભરૂચ પોલીસની સતર્કતાના લીધે સ્વામિનારાયણ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે.
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર ભરૂચ પોલીસ કંટ્રોલ રૂમ અને ડિઝાસ્ટર કંટ્રોલને મળેલી માહિતી પ્રમાણે, એક અજાણ્યા શખ્સે સ્વામિનારાયણ મંદિર (ઝાડેશ્વર, ભરૂચ)માં બોમ્બ વિસ્ફોટ કરવાની ખોટી જાણકારી આપી હતી. ભરૂચ પોલીસ અને SOGની ઝડપી કાર્યવાહીથી સમગ્ર બનાવનો પર્દાફાશ થયો હતો અને આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. ભરૂચ કંટ્રોલ રૂમમાં મળેલી આ જાણકારી બાદ અલગ-અલગ ટીમો બનાવી સ્વામિનારાયણ મંદિર અને જાણકારી આપનાર શખ્સ બંનેની તપાસ હાથ ધરાઈ હતી.
તપાસ દરમ્યાન આરોપી ભરૂચ રેલવે સ્ટેશન નજીક મળી આવ્યો. પૂછપરછમાં તેણે કબૂલ્યું કે તેની વ્યક્તિગત રોષના કારણે તેણે ખોટી જાણકારી આપી હતી. એ જાણતા છતા પણ ખોટી માહિતી આપીને તેણે ભયનો માહોલ ઊભો કરવાનો પ્રયાસ કર્યો. સમગ્ર કામગીરી ભરૂચ SOG, “સી” ડીવીઝન પોલીસ સ્ટેશન, સર્વેલન્સ સ્કોડ અને બોમ્બ સ્કોડ દ્વારા સંયુક્ત રીતે પાર પાડી હતી.
