
સલમાન ખાનની ભૂતપૂર્વ પ્રેમિકા સંગીતા બિજલાનીના ફાર્મ હાઉસમાં ચોરીનો મામલો સામે આવ્યો છે. અભિનેત્રીએ પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ચોરોએ તેના ફાર્મ હાઉસને ઘણું નુકસાન પહોંચાડ્યું છે અને ઘણી કિંમતી વસ્તુઓની ચોરી કરી છે. સંગીતા બિજલાની ચાર મહિના પછી પાવના ડેમ નજીક ટિકોના ગામમાં આવેલા ફાર્મહાઉસમાં આવી હતી, જ્યારે તેને ચોરીની જાણ થઈ.
તે જ સમયે, એક પોલીસ અધિકારીએ શુક્રવારે જણાવ્યું હતું કે પુણે જિલ્લાના માવલ સ્થિત ફિલ્મ અભિનેત્રી સંગીતા બિજલાનીના ફાર્મ હાઉસમાં ચોરીની જાણ થઈ છે. પુણે ગ્રામીણ પોલીસને આપેલી ફરિયાદમાં સંગીતા બિજલાનીએ જણાવ્યું હતું કે મુખ્ય દરવાજો અને બારીની ગ્રીલ તૂટેલી હતી, એક ટેલિવિઝન સેટ ગાયબ હતો, અને બેડ, રેફ્રિજરેટર તેમજ સીસીટીવી કેમેરા સહિત ઘણી ઘરવખરીની વસ્તુઓને પણ નુકસાન થયું હતું. સંગીતા બિજલાણીએ પુણે ગ્રામીણ પોલીસ અધિક્ષક સંદીપ સિંહ ગિલને મોકલેલી અરજીમાં જણાવ્યું હતું કે તે તેના પિતાની તબિયત ખરાબ હોવાને કારણે ફાર્મહાઉસ જઈ શકી નથી.
અભિનેત્રીએ તેની ફરિયાદમાં કહ્યું છે કે, “આજે, હું મારી બે નોકરાણીઓ સાથે ફાર્મહાઉસ ગઈ હતી. ત્યાં પહોંચીને, મુખ્ય દરવાજો તૂટેલો જોઈને મને આઘાત લાગ્યો. અંદર જઈને જોયું તો બારીની ગ્રીલ ક્ષતિગ્રસ્ત હતી, એક ટેલિવિઝન સેટ ગાયબ હતો અને બીજો તૂટેલો હતો.” અભિનેત્રીએ તેની ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે ઉપરનો માળ સંપૂર્ણપણે ખંડેર હાલતમાં હતો, બધા પલંગ તૂટેલા હતા, અને ઘણી ઘરવખરીની વસ્તુઓ અને કિંમતી વસ્તુઓ કાં તો ગાયબ હતી અથવા તૂટેલી હતી.
પોલીસે આ કેસમાં શું કહ્યું?
લોનાવાલા પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર દિનેશ તાયડેએ પીટીઆઈને જણાવ્યું હતું કે આકારણી માટે એક ટીમ સ્થળ પર મોકલવામાં આવી છે. પોલીસ અધિકારીએ કહ્યું, “નુકસાન અને ચોરીનું મૂલ્યાંકન પૂર્ણ થયા પછી અમે ગુનો નોંધીશું.”
