
કોકરોચ જનતા પાર્ટી અને સરકાર વચ્ચે શુક્રવારે દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબમાં બેઠક યોજાઈ હતી. આમાં સરકાર વતી કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા, જિતેન્દ્ર સિંહ અને CJP વતી સૌરભ દાસ, આશુતોષ રાંકા સામેલ થયા હતા. બેઠક બપોરે 12:40 વાગ્યાથી 2:20 વાગ્યા સુધી ચાલી હતી.
બેઠક પછી CJPના પ્રવક્તાઓએ કહ્યું- અમે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર કોઈ સમજુતી નહીં કરીએ. સરકારે આ અંગે વિચારણા કરવા માટે આવતીકાલ સુધીનો સમય માંગ્યો છે. તેમણે કહ્યું કે સરકારે વળતર આપવા અને પ્રદર્શનકારીઓ સામે નોંધાયેલા કેસ પાછા ખેંચવા પર સહમતિ દર્શાવી છે.
પેપર લીક કેસમાં સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે સરકારે પેપર લીક થયા પછી અત્યાર સુધી શું-શું સુધારા કર્યા છે, તેની અમને જાણકારી આપવામાં આવે. કેસની તપાસ ક્યાં સુધી પહોંચી છે, તે પણ જણાવવામાં આવે.
CJPના પ્રવક્તા આશુતોષ રાંકાએ કહ્યું કે સરકાર અમારા દબાણમાં છે તેથી પીએમને રાત્રે 12:30 વાગ્યે વીડિયો જાહેર કરવો પડ્યો. શિક્ષણ મંત્રીના રાજીનામા સુધી અમારો વિરોધ ચાલુ રહેશે. પીએમ મોદીએ ગુરુવારે મોડી રાત્રે વીડિયો જાહેર કરીને કહ્યું હતું કે સરકાર પેપર લીક પર કાયદો લાવશે.
