Site icon Time News

‘સુરક્ષાના નામે સામાન્ય જનતાને બાનમાં ન લઈ શકાય!’ 57 મેટ્રો સ્ટેશન અને ટ્રેનો બંધ થતાં સુપ્રીમ કોર્ટ લાલઘૂમ!

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 10 ઑક્ટોબર 2026ના રોજ આયોજિત કોકરોચ જનતા પાર્ટીના વિરોધ પ્રદર્શન પૂર્વે વહીવટી તંત્ર દ્વારા લાદવામાં આવેલા આકરા પ્રતિબંધો સામે સુપ્રીમ કોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. નવી દિલ્હી અને નિઝામુદ્દીન સ્ટેશન તરફ આવતી ટ્રેનો રદ કરવા, દિલ્હી મેટ્રોના 57 સ્ટેશનો બંધ કરવા અને સરહદો સીલ કરવાના પગલાં સામે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સ્પષ્ટ ટકોર કરી છે કે સુરક્ષાના નામે સામાન્ય નાગરિકો માટે સમગ્ર વ્યવસ્થા ઠપ કરી શકાય નહીં.

ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે સ્પષ્ટ કર્યું કે સરકારને નિયમનકારી પગલાં લેવાનો અધિકાર છે, પરંતુ વિરોધ પ્રદર્શન કરવાના બંધારણીય અધિકાર અને સામાન્ય જનતા માટે પબ્લિક ટ્રાન્સપોર્ટની ઉપલબ્ધતા વચ્ચે સંતુલન જાળવવું અત્યંત જરૂરી છે.

સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા સૂર્ય કાંતે સોલિસિટર જનરલ તુષાર મહેતાને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જો સરકારને પ્રદર્શનમાં અસામાજિક કે રાષ્ટ્રવિરોધી તત્ત્વોના સામેલ થવાની અથવા અનિયંત્રિત ભીડની આશંકા હોય તો યોગ્ય સુરક્ષા પગલાં લેવાનો પૂરો અધિકાર છે. રેલવે અને મેટ્રો સ્ટેશનો પર CCTV કેમેરા લગાવેલા છે અને સરકાર અન્ય સુરક્ષા પગલાં પણ અમલમાં મૂકી શકે છે. પરંતુ આ પગલાંના કારણે સામાન્ય નાગરિકો પાસેથી સ્ટેશનો સુધી પહોંચવાનો અને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવાનો અધિકાર છીનવી શકાય નહીં. પ્રતિબંધો લાદતી વખતે એ સુનિશ્ચિત કરો કે સમગ્ર વ્યવસ્થા જ ઠપ ન થઈ જાય.

સુપ્રીમ કોર્ટે ખાસ કરીને દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા શુક્રવારે રાત્રે 9:00 વાગ્યાથી 57 મેટ્રો સ્ટેશનો બંધ રાખવાના નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો હતો. આ 57 સ્ટેશનોમાં રેડ લાઇનના 9, યલો લાઇનના 20, બ્લૂ લાઇનના 8, વાયોલેટ લાઇનના 7, પિંક લાઇનના 8, મેજેન્ટા લાઇનના 4 અને શિવાજી સ્ટેડિયમ સ્ટેશન સામેલ છે.CJI એ સરકારને રસ્તાઓ બંધ કરવાના નિર્ણયની તાકીદે સમીક્ષા કરવા જણાવ્યું હતું. તેમણે ભારપૂર્વક કહ્યું કે જ્યાં પણ બેરિકેડ્સ લગાવીને ટ્રાફિક રોકવામાં આવ્યો હોય ત્યાં સામાન્ય મુસાફરોને સમયસર વૈકલ્પિક રૂટ્સની જાણકારી મળવી જોઈએ. તેના જવાબમાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટની આ ચિંતાઓથી સરકારને વાકેફ કરવાની ખાતરી આપી હતી, સાથે જ ઉમેર્યું હતું કે પ્રદર્શનકારીઓ દ્વારા એવો ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે કે કંઈક ખોટું થઈ રહ્યું છે.

Exit mobile version