17 ફેબ્રુઆરીએ લાગશે વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ, જાણો ક્યાં અને ક્યારે દેખાશે ‘રિંગ ઓફ ફાયર’ અને સૂતક કાળ 

17 ફેબ્રુઆરીના દિવસે ફાગણ મહિનાની અમાસના રોજ વર્ષ 2026નું પ્રથમ સૂર્યગ્રહણ લાગી રહ્યું છે. આ એક વલયાકાર સૂર્યગ્રહણ છે, જેમાં ચંદ્રમા સૂર્યને સંપૂર્ણપણે ઢાંકી નથી શકતો અને સૂર્યની ચારેય તરફ ‘રિંગ ઓફ ફાયર’ જેવો નજારો બને છે. આ સૂર્યગ્રહણ મુખ્યત્વે દક્ષિણ ગોળાર્ધના વિસ્તારો જેમ કે, એન્ટાર્કટિકા, દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે, ઝામ્બિયા, તાન્ઝાનિયા, મોરેશિયસ અને દક્ષિણ અમેરિકાના કેટલાક ભાગોમાં જોવા મળશે. હવે સવાલ થાય કે આ સૂર્યગ્રહણ ભારતમાં જોવા મળશે કે કેમ? સૂતક કાળ લાગશે? સૂર્યગ્રહણનો સમય શું છે?

સૂર્યગ્રહણનો સમય 

ભારતીય સમયાનુસાર, સૂર્યગ્રહણની શરૂઆત બપોરે લગભગ 03:26 વાગ્યે થશે. આ પોતાના પીક પર સાંજે 05:42 વાગ્યે આવશે અને સમાપન સાંજે 07:27 મિનિટ પર થશે.

ભારતમાં નહીં લાગે સૂતક કાળ 

આ સૂર્યગ્રહણ કુંભ રાશિમાં ધનિષ્ઠા નક્ષત્ર સાથે ઘટી રહ્યું છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, સૂર્યગ્રહણનો સૂતક કાળ ગ્રહણ શરૂ થવાથી 12 કલાક પહેલાં લાગે છે. પરંતુ સૂર્યગ્રહણ ભારતમાં નહીં જોવા મળે. જેથી સૂતક કાળ માન્ય નહીં રહે.

સૂર્યગ્રહણના દિવસે કરી શકાશે શુભ કાર્યો 

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જ્યાં સૂર્યગ્રહણ ન દેખાય, ત્યાં સૂતકના નિયમો લાગુ પડતા નથી. તેથી 17 ફેબ્રુઆરીએ ભારતમાં કોઈ ખાસ ધાર્મિક પ્રતિબંધો કે સૂતક રહેશે નહીં. લોકો તેમના શુભ કાર્યો, પૂજા અથવા દૈનિક જીવન સામાન્ય રીતે કરી શકે છે.

સૂર્યગ્રહણના મુહૂર્ત 

17 ફેબ્રુઆરીએ અમાસની તિથિ સાંજે 05:30 વાગ્યા સુધી રહેશે. ધનિષ્ઠા નક્ષત્ર રાત્રે 09:16 વાગ્યા સુધી રહેશે, ત્યારબાદ શતભિષા શરૂ થશે. ચંદ્ર મકર રાશિમાં ગોચર કરશે. સૂર્યોદય સવારે 05:58 વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે 06:13 વાગ્યે થશે.

શુભ સમયની વાત કરીએ તો અભિજીત મુહૂર્ત બપોરે 12:13 વાગ્યાથી 12:58 વાગ્યા સુધી, વિજય મુહૂર્ત બપોરે 02:28થી 03:13 વાગ્યા સુધી છે. ગોધૂળી મુહૂર્ત સાંજે 06:10 વાગ્યાથી 06:36 વાગ્યા સુધીનું છે. અમૃત કાળ સવારે 10:39 વાગ્યાથી 12:17 વાગ્યા સુધીનું છે.

સૂર્યગ્રહણમાં અશુભ સમય

સૂર્યગ્રહણના દિવસે રાહુકાળ બપોરે 03:24 વાગ્યાથી 04:48 વાગ્યા સુધીનો રહેશે, તેથી આ સમય દરમિયાન કોઈપણ શુભ કાર્ય કરવાનું ટાળો. યમગંડ સવારે 09:47 વાગ્યાથી 11:11 વાગ્યા સુધીનો છે. અડલ યોગ સવારે 09:16 વાગ્યાથી 06:57 વાગ્યા સુધીનો રહેશે.

ક્યાં જોવા મળશે “રિંગ ઓફ ફાયર”?

17 ફેબ્રુઆરીના રોજ થનારું વલયાકાર સૂર્યગ્રહણ મુખ્યત્વે એન્ટાર્કટિકાના ભાગોમાં દેખાશે. એન્ટાર્કટિકા ખંડ અને દક્ષિણ મહાસાગરની આસપાસના દૂરના વિસ્તારોમાં એક સુંદર “રિંગ ઓફ ફાયર” જેવો નજારો દેખાશે, જ્યાં ચંદ્ર લગભગ સૂર્યને સંપૂર્ણપણે ઢાંકી દેશે. આંશિક સૂર્યગ્રહણ દક્ષિણ અમેરિકા, દક્ષિણ આફ્રિકા, દક્ષિણ એટલાન્ટિક મહાસાગર, દક્ષિણ પેસિફિક મહાસાગર અને એન્ટાર્કટિકાના અન્ય ભાગોમાં દેખાશે.

આ દેશોમાં નહીં દેખાય સૂર્યગ્રહણ 

આ સૂર્યગ્રહણ ભારત, શ્રીલંકા, નેપાળ, અફઘાનિસ્તાન, મ્યાનમાર કે અન્ય એશિયન દેશો, યુરોપ, ઉત્તર અમેરિકાના મોટાભાગના ભાગો, આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાના મધ્ય અને ઉત્તરીય પ્રદેશોમાં દેખાશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *