
કેન્દ્ર સરકારે લોકોને મોટી રાહત આપતા GSTની કિંમતમાં ઘટાડો કર્યો છે.GSTના નવા દર સોમવારે એટલે કે 22 સપ્ટેમ્બરથી લાગુ થયા છે. આ ભેટ બાદ પીએમ મોદીએ વધુ એક સારા સમાચાર આપ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોઇડામાં યુપી ઇન્ટરનેશનલ ટ્રેડ શોનું ઉદ્દઘાટન સત્રને સંબોધતા કહ્યું કે અર્થવ્યવસ્થાની મજબૂતી સાથે ટેક્સને વધુ ઓછો કરવામાં આવશે. PM મોદીએ GSTના દરમાં વધુ કાપ મુકવાના સંકેત આપ્યા છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે 2014માં એક લાખની ખરીદી પર 25 હજારનો ટેક્સ લાગતો હતો. હવે આ ટેક્સ ઘટીને 5-6 હજાર થઇ ગયો છે. પીએમ મોદીએ કહ્યું કે 2014 પહેલાની પોતાની નિષ્ફળતાઓને સંતાડવા માટે કોંગ્રેસ અને તેના સહયોગીઓ ખોટું બોલી રહ્યા છે.
PM મોદીએ કહ્યું કે અમે ભારતના લોકોની આવક અને બચતમાં વધારો કર્યો છે. અમે આટલે રોકાવાના નથી. જેમ જેમ અમે પોતાની અર્થવ્યવસ્થાને મજબૂત કરતા રહીશું, અમે ટેક્સને ઓછો કરવાનું ચાલુ રાખીશું. GST સુધારાની પ્રક્રિયા નિરંતર ચાલતી જ રહેશે.
22 સપ્ટેમ્બરથી GSTના નવા દર લાગુ
દેશભરમાં 22 સપ્ટેમ્બરથી GST 2.0માં નવા રેટ લાગુ કરવામાં આવ્યા છે, જેમાં મોટાભાગની પ્રોડક્ટસ પર 5 ટકા અને 18 ટકા GST લાગુ કર્યો છે. સાબુ, શેમ્પુ, ટૂથ પેસ્ટ, બિસ્કિટ, નાસ્તા, ઘી, સાયકલ, સ્ટેશનરી સહિતની જીવન જરૂરી વસ્તુઓમાં 12 ટકા GST લેવામાં આવતો અને તેના બદલે હવે ઘણી ચીજવસ્તુઓમાં 5 ટકા GST કરવામાં આવ્યો છે, જયારે કેટલીક ચીજવસ્તુઓમાં 18 ટકા GST કરવામાં આવ્યો છે. ઘરગથ્થુ ઉપકરણો અને ઈલેકન્ટ્રોનિક્સમાં 28 ટકા સ્લેબ હતો તે ઘટાડીને 18 ટકા કરાયો છે, જેના કારણે ગ્રાહકોને ફાયદો થયો છે.
આ પણ વાંચો. ગાંધીનગરના બહિયલમાં ગરબામાં બે જૂથ વચ્ચે હિંસા, પોલીસ કાફલા પર હુમલો
