Site icon Time News

કાશ્મીર ફરી લોહીલુહાણ! અનંતનાગમાં આતંકી હુમલો, એક પોલીસ જવાન શહીદ

દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના લાલ ચોક વિસ્તારમાં કોકેરનાગ રોડ પર  બુધવારે આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે થયેલી અથડામણમાં જમ્મુ કાશ્મીર પોલીસના એક કર્મી શહીદ થયા. અન્ય એક પોલીસકર્મી ઘાયલ થયો છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરાઈ છે અને આતંકીઓી શોધમાં મોટા પાયે સર્ચ ઓપરેશન ચાલુ છે. 

અધિકારીઓના જણાવ્યાં મુજબ સુરક્ષા દળો વિસ્તારમાં પહેલેથી જ આતંકવાદી વિરોધી અભિયાન ચલાવી રહ્યા હતા. આ દરમિયાન ઓપરેશનમાં સામેલ ટીમનો આતંકીઓ સાથે આમનો સામનો થયો. બંને બાજુથી ફાયરિંગ થયું જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા, સુરક્ષાદળો તરફથી જવાબી કાર્યવાહી થઈ અને આતંકીઓને ઘેરવાની કોશિશ પણ થઈ. 

અથડામણમાં ગંભીર રીતે ઘાયલ થયેલા પોલીસકર્મીની ઓળખ આશિક હુસૈન તરીકે થઈ છે. જે ઈન્ડિયન રિઝર્વ પોલીસ (IRP) ત્રીજી બટાલિયનમાં તૈનાત હતા. હાલના સમયમાં તેઓ અમરનાથ યાત્રાની સુરક્ષા ડ્યૂટી પર તૈનાત હતા. ગોળી વાગ્યા બાદ તેમને તરત નજીકની હોસ્પિટલ ખસેડાયા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું. 

અન્ય એક જવાન સારવાર હેઠળ
ફાયરિંગની ઘટનામાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ના અન્ય એક પોલીસકર્મી પણ ઘાયલ થયા છે. જે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ડોક્ટરોની નિગરાણીમાં તેમની સારવાર ચાલુ છે. અધિકારીઓએ હાલ તેમની સ્થિતિ વિશે  કોઈ પણ વિસ્તૃત જાણકારી આપી નથી. 

વિસ્તારની ઘેરાબંધી
ઘટના બાદ પોલીસ, સેના અને અન્ય સુરક્ષા એજન્સીઓની વધારાની ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ. સમગ્ર  કોકેરનાગ વિસ્તારની ઘેરાબંધી કરાઈ છે. જેથી કરીને આતંકીઓને પકડી શકાય. સુરક્ષા દળો સતત સર્ચ અભિયાન ચલાવી રહ્યા છે અને ઓપરેશન પણ હજુ ચાલુ છે. 

અમરનાથ યાત્રાને ધ્યાનમાં રાખતા પહેલેથી જ ઘાટીમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરાઈ છે. આ અથડામણ બાદ સંવેદનશીલ વિસ્તારોમાં વધુ સુરક્ષા વર્તવામાં આવી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે અભિયાન જ્યાં સુધી વિસ્તારને સંપૂર્ણ રીતે સુરક્ષિત જાહેર નહીં કરાય ત્યાં સુધી ચાલું રહેશે. 

Exit mobile version