Site icon Time News

બંગાળમાં લોહીયાળ ખેલ: સુવેન્દુ અધિકારીના PAની જાહેરમાં ગોળી મારી હત્યા

પશ્ચિમ બંગાળમાં ફરી એકવાર રાજકીય હિંસા અને રક્તપાતનો સિલસિલો શરૂ થયો છે. બુધવારે મોડી સાંજે મધ્યમગ્રામ વિસ્તારમાં ભાજપના દિગ્ગજ નેતા સુવેન્દુ અધિકારીના અંગત સહાયક (PA) ચંદ્રનાથ રથની બાઇક સવાર હુમલાખોરોએ જાહેરમાં ગોળી મારીને હત્યા કરી નાખી છે. આ હુમલામાં તેમનો એક સુરક્ષા ગાર્ડ પણ ઘાયલ થયો છે. આ ઘટનાના એક દિવસ પહેલા જ ન્યૂટાઉનમાં વધુ એક ભાજપ કાર્યકરની હત્યા કરવામાં આવી હતી. આ બંને ઘટનાઓએ રાજ્યની કાયદો અને વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે અને સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, બુધવારે મોડી સાંજે ચંદ્રનાથ રથ તેમના ઘર પાસે કેટલાક લોકો સાથે હાજર હતા. આ સમયે તેઓ પોતાની કાર પાસે ઊભા હતા, ત્યારે જ બાઇક પર આવેલા અજાણ્યા હુમલાખોરોએ તેમને નિશાન બનાવીને કારની બારી પાસેથી 3 થી 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ગોળીઓ વાગવાથી તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. હાલમાં પોલીસે આખા વિસ્તારમાં નાકાબંધી કરીને હુમલાખોરોને પકડવા માટે આસપાસના CCTV ફૂટેજ તપાસવાની કવાયત હાથ ધરી છે.નોંધનીય છે કે, મૃતક ચંદ્રનાથ રથ છેલ્લા 10 થી 12 વર્ષથી સુવેન્દુ અધિકારી સાથે જોડાયેલા હતા અને તેમના ખૂબ જ ખાસ માણસ માનવામાં આવતા હતા. તાજેતરની ચૂંટણીમાં પણ તેમણે પ્રચારની મહત્વની જવાબદારીઓ સંભાળી હતી. તેમના આ રાજકીય કદ અને ચૂંટણીમાં સક્રિયતાને કારણે પોલીસ આ હત્યાને રાજકીય અદાવતના એંગલથી પણ તપાસી રહી છે. આ ઘટનાથી રાજકીય વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

બંગાળમાં ચૂંટણી પરિણામો બાદ પણ હિંસા રોકાવાનું નામ નથી લઈ રહી. આ ઘટના પહેલા મંગળવારે રાજારહાટ-ન્યૂટાઉનના બાલીગુરી વિસ્તારમાં મધુ મંડલ નામના એક ભાજપ કાર્યકરની પથ્થરમારો કરીને ઘાતકી હત્યા કરવામાં આવી હતી. ભાજપનો આરોપ છે કે હારથી બોખલાયેલા TMC સમર્થકોએ આ હત્યા કરી છે.

હકીકતમાં, સોમવારે ભાજપનો ઝંડો લગાવવા બાબતે મધુ મંડલની કમલ નામના TMC કાર્યકર સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોકે, ત્યારે મામલો થાળે પડી ગયો હતો, પરંતુ મંગળવારે કેટલાક સ્થાનિક બદમાશોએ મધુ મંડલને ફોન કરીને એ જ જગ્યાએ બોલાવ્યા અને તેમને ઘેરીને તેમના પર ભારે પથ્થરમારો શરૂ કરી દીધો. ગંભીર રીતે ઘાયલ મધુ મંડલને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

Exit mobile version