
અમદાવાદમાં ડેન્ગ્યુના કેસમાં છેલ્લા કેટલાક દિવસોમાં ઝડપી વધારો નોંધાઈ રહ્યો છે. ખાસ કરીને બાળકોમાં ડેન્ગ્યુના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)ના આંકડા મુજબ ૧ સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં ડેન્ગ્યુના નોંધાયેલા કુલ ૪૯૬ કેસમાંથી ૧૮૩ કેસ ૦થી ૧૪ વર્ષની વયનાં બાળકોના છે, જે કુલ કેસના આશરે ૩૭ ટકા થાય છે. આ દરમિયાન શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતા આઠ વર્ષના બાળકનું ડેન્ગ્યુના કારણે મોત પણ થયું છે.
છેલ્લા ૨૦ દિવસમાં ડેન્ગ્યુના કેસમાં થયેલા વધારાના પગલે નિષ્ણાતોએ બાળકોમાં મચ્છરજન્ય રોગોનું જોખમ વધવા અંગે ચિંતા વ્યક્ત કરી છે. શાળા તથા અન્ય બહારની પ્રવૃત્તિઓ દરમિયાન બાળકો મચ્છરના સંપર્કમાં વધુ આવતાં હોવાથી તેઓ ડેન્ગ્યુની ઝપટમાં આવવાની શક્યતા વધી રહી હોવાનું નિષ્ણાતોનું કહેવું છે.
એએમસીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે છેલ્લા ૨૦ દિવસમાં ડેન્ગ્યુના કેસમાં તીવ્ર વધારો થયો છે અને આગામી એક-બે મહિનામાં કેસ વધુ વધી શકે છે. વાઈરલ તાવના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે કડક પગલાં લેવામાં આવી રહ્યાં છે. બાળકો, વૃદ્ધો અને સગર્ભા મહિલાઓને ડેન્ગ્યુનું જોખમ વધુ રહે છે.
શહેરના બાળરોગ નિષ્ણાત ડો. મનીષ મહેતાએ જણાવ્યું છે કે છેલ્લાં કેટલાંક વર્ષોની સરખામણીએ ડેન્ગ્યુના કેસ ચોક્કસપણે વધ્યા છે, જોકે હાલ રોગની ગંભીરતા અંગે ચિંતા કરવાની સ્થિતિ નથી. તેમણે બાળકોને આખી બાંયનાં કપડાં પહેરાવવા અને મચ્છરથી બચાવનાર ક્રીમનો ઉપયોગ કરવા સલાહ આપી હતી.બાળરોગ નિષ્ણાતો જણાવે છે કે તેમની પાસે એવા બે કેસ નોંધાયા છે, જેમાં બાળકોને પહેલાં સ્વાઇન ફ્લૂ થયો હતો. ત્યાર બાદ તેઓ ડેન્ગ્યુથી સંક્રમિત થયાં હતાં. ડેન્ગ્યુના કારણે હોસ્પિટલમાં દાખલ થવાનું પ્રમાણ હાલ પ્રમાણમાં ઓછું છે, પરંતુ આ દિવસોમાં તાવના કુલ કેસોમાં ડેન્ગ્યુનું પ્રમાણ ઘણું ઊંચું જોવા મળી રહ્યું છે.
