Site icon Time News

સુરેન્દ્રનગરમાં આકાશી આફત: દેદાદરા ગામ થયું સંપર્ક વિહોણું, વઢવાણ-લખતરમાં 6 ઈંચથી વધુ વરસાદ

સુરેન્દ્રનગર જિલ્લામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. વઢવાણ અને લખતર તાલુકામાં રાતથી સવાર સુધીમાં 6 ઈંચથી વધુ ધોધમાર વરસાદ ખાબકતા સમગ્ર પંથક જળબંબાકાર થઈ ગયો છે. વઢવાણ તાલુકાનું દેદાદરા ગામ ભારે વરસાદને કારણે સંપર્ક વિહોણું બન્યું છે, જ્યાં લોકોના ઘરોમાં કેડસમા પાણી ભરાઈ જતાં ઘરવખરીને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. એટલું જ નહીં, પાણીના પ્રચંડ પ્રવાહમાં દેદાદરા ગામની પ્રાથમિક શાળા પણ ધ્વસ્ત થઈ ગઈ છે.

આ સિવાય વઢવાણમાં ધોધમાર વરસાદના કારણે અંદાજે 1000 વર્ષ જૂનો ઐતિહાસિક ગઢ તૂટી પડ્યો છે. ધોળીપોળ નજીક આવેલી આ વર્ષો જૂની દિવાલ ધડાકાભેર ધરાશાયી થઈ હતી, જોકે સદનસીબે તે સમયે કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે કે આ ગઢના રિનોવેશન માટે અગાઉ પણ માંગ કરવામાં આવી હતી, પરંતુ પુરાતત્ત્વ વિભાગ કે તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવ્યું ન હતું.

બીજી તરફ, લખતર તાલુકામાં પણ 6 ઈંચથી વધુ વરસાદ વરસતાં ગ્રામ્ય વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વણા ગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં કેટલાક લોકોને સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી છે. વણા નજીકનો રોડ પણ પાણીમાં ડૂબી જતાં ગામનો સંપર્ક કપાઈ ગયો છે. ભારે વરસાદને પગલે સુરેન્દ્રનગર શહેરના બંને અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થઈ જતાં વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે અને લોકોને જતાં અટકાવવા અંડરબ્રિજની બંને તરફ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

ઉપરવાસમાં ભારે વરસાદ થવાના કારણે સુરેન્દ્રનગરના નાયકા ડેમમાં 22,666 ક્યુસેક પાણીની પ્રચંડ આવક થઈ છે. આથી ડેમના 10 દરવાજા 1.82 મીટર સુધી ખોલવામાં આવ્યા છે અને નીચાણવાળા તમામ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોને લઈને મહત્વની આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ રાજ્યમાં હજુ આગામી 24 કલાક સુધી ભારે વરસાદનું જોર યથાવત્ રહેવાની શક્યતા છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે. જ્યારે જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં હળવો વરસાદ નોંધાઈ શકે છે.

Exit mobile version